જાણીતા લોક સાહિત્ય સંશોધક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન
જાણીતા લોક સાહિત્ય સંશોધક અને વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સાહિત્ય વર્તુળ તથા કલા વર્તુળમાં શોકની લાગણી ફરી વળી હતી. આજે વહેલી સવારે અમદાવાદ ખાતે તેમના નિવાસે અંતિમશ્ર્વાસ લીધા હતા. તેમની અંતિમયાત્રા સાંજે 4 વાગ્યે તેમના નિવાસ સ્થાન પ્રોફેસર કોલોની, વિજય ચાર રસ્તા ખાતેથી નીકળી હતી.
જોરાવરસિંહ જાદવ લોકસાહિત્યના સંશોધક તથા લોક કલાના પ્રચારક હતા. તેમનો જન્મ 10 જાન્યુઆરી, 1940માં થયો હતો. તેમનું લોક સાહિત્યમાં અનોખુ યોગદાન હતું જેના પગલે સરકારે તેમને 2019માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. તેમને મેઘાણી સુવર્ણચંદ્રક , ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષીક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સહિતના સન્માન અને પુરસ્કાર મળેલા છે.
જોરાવરસિંહ જાદવે ગ્રમજીવનને અનુલક્ષીને ઘણી વાર્તાઓ લખી હતી. તેમણે 1978માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનના અપણ શોશિત અને વિચરતી જાતીના લોક કલાકારોને લોકો સમક્ષ અભિવ્યક્તિ કરવાની તક મળી હતી. તેમણે પોતાના વતન ધંધુકાના આકરુ ગામમાં ગુજરાતની લોક કલા તથા લોક સંસ્કૃતિ તથા છબીકલા ધરાવતું રસપ્રદ મ્યુઝિયમ બનાવ્યું હતું.
