સુનિતા વિલિયમ્સની હેમખેમ વાપસી માટે વતન ઝુલાસણમાં ધાર્મિક અનુષ્ઠાન
અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ 19 તારીખે પૃથ્વી પર પરત આવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા હતા. જોકે હવે તેઓ પૃથ્વી પર પરત આવી રહ્યા છે. ત્યારે મહેસાણાના કડીમાં આવેલ ઝુલાસણ ગામમાં હાલ ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઝુલાસણ ગામ સુનિતા વિલિયમ્સનું મૂળ ગામ છે. જેમાં તેઓ અગાઉ પણ તેમના ગામના લોકોને મળવા માટે આવ્યા હતા. તેવું ગામના લોકોનું કહેવું છે. તેઓ સહી સલામત પૃથ્વી પર પરત આવી જાય તેને લઈને તેમના ગામમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
ઝુલાસણ ગામમાં હાલ લોકો સુનિતા વિલિયમ્સની જ વાતો કરી રહ્યા છે. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ પણ હાલ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ સહી સલામત ગામમાં પરત આવે. બીજી તરફ ગામમાં આવેલા મંદિરોમાં પણ તેમની વાપસીને લઈને લોકો ભજન કિર્તન કરી રહ્યા છે
ગામના લોકોની એવી ઈચ્છા છે કે પૃથ્વી પર પરત આવ્યા પછી પણ તેમનું સ્વાસ્થ્ય સારુ રહે. ગામના દરેક લોકો એવું ઈચ્છે છે કે તેઓ પરત તેમના ગામમાં આવે અને તેમનું ભવ્ય સ્વાગત કરવા તેઓ ઈચ્છે છે. તેમને મળીને અંતરિક્ષમાં તેમને કેવા અનુભવ થયા તે ગામના લોકો જાણવા માગે છે.