રિલાયન્સના ગ્રુપના મુકેશ અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું
વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે મંગળવારે સાંજે વિશ્વના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા મુકેશભાઈ અંબાણી તેમજ તેમના માતૃશ્રી કોકીલાબેન અંબાણી ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા.
જામનગરની ટાઉનશીપ ખાતે તાજેતરમાં ખાતે અનંત અંબાણીની પ્રિ-વેડીંગ સેરીમની અંતર્ગત હાલારના મોંઘા મહેમાન બનેલા મુકેશભાઈએ મંગળવારે ઠાકોરજીનું પૂજન અર્ચન કર્યું હતું. જેમાં અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો હતો.
જય દ્વારકાધીશના ઉદબોધન સાથે મીડીયાને સંબોધતા મુકેશભાઈ અંબાણીએ જણાવ્યું કે દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના પ્રી-વેડીંગ સેલીબ્રેશન્સ સારી રીતે સંપન્ન થયા છે. જે માટે બધાનો સહયોગ રહ્યો અને વિશેષતઃ જામનગરવાસીઓને સ્પેશ્યલ થેન્ક્યુ કહેતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે "જામનગરવાસીઓના સહયોગથી હવે જામનગર ઇન્ટરનેશનલ મેપ પર આવી ગયુ છે. અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહિં. અનંત અને રાધિકાને તમારા તમારા આશીર્વાદ બદલ હું અને નીતા તેમજ સમસ્ત અંબાણી પરિવાર ખૂબ ખૂબ આભારી છીએ."