રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ચૌધરી હાઈસ્કૂલ ખાતે થયું રિહર્સલ
ધ્વજવંદન, પરેડથી લઈને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ: ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના
રાજકોટ શહેર-જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ચૌધરી હાઈસ્કૂલ ખાતે થનારી ઉજવણી પૂર્વે આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારની અધ્યક્ષતામાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. સવારે 9 કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. સૌથી પહેલા ધ્વજવંદન-રાષ્ટ્રગાન થયું. બાદમાં અધિકારીએ પરેડ નિરિક્ષણ કર્યું હતું. એ પછી પોલીસ, હોમગાર્ડ્સ તથા એન.સી.સી.ની ગર્લ્સ બટાલિયનની પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનું રિહર્સલ થયું હતું.
શહેર પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારે સમગ્ર રિહર્સલનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. બાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો-ટીમને જરૂૂરી સૂચનાઓ આપી હતી.