નર્સિંગ સહિતના નવ કોર્સની 51331 બેઠક માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન
11 જૂન સુધી ચાલશે, ગત વર્ષે 40 હજારથી વધુ બેઠકો ખાલી રહી હતી
ધો.12ના આધારે જ નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના 9 કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. તમામ કોર્સની મળીને અંદાજે 51331 બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા આગામી 29મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ધો.12 પછી NEETને આધારે મેડિકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આ સિવાયના પેરા મેડિકલની શ્રેણીમાં આવતાં ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપથી, ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી વગરે અભ્યાસક્રમોમાં ધો.12 આર્ટસ અને કોમર્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. આ કોર્સમાં પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 29મીએ સવારે 11 વાગ્યાથી પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઇન પીન ખરીદીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે.
આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આગામી 11મી જૂન સુધી ચાલુ રાખવામાં આવશે. આ જ દિવસ એટલે કે 29મી મેથી લઇને 12મી જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની સાથે સાથે પ્રમાણપત્રો પણ અપલોડ કરી શકાશે. જ્યારે 31મીમેથી લઇને 13મી જૂન સુધી હેલ્પસેન્ટર પર જઇને ઓરિજનલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. મહત્વની વાત એ છે કે, હાલમાં જુદા જુદા કોર્સમાં મળીને 51331 બેઠકો ઉપલબ્ધ છે. જે પૈકી ગત વર્ષે થયેલી પ્રવેશ પ્રક્રિયામાં માત્ર 10200 બેઠકો જ ભરાઇ હતી. એટલે કે, અંદાજે 40 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે.
નર્સિંગ સહિતના જુદા જુદા 9 કોર્સમાં હાલમાં 51331 બેઠકો ઉપલબ્ધ છે. ગત વર્ષે માત્ર 10200 બેઠકો ભરાઇ હતી. મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી હોવા છતાં ચાલુ વર્ષે નર્સિંગની નવી કોલેજની મંજૂરી લેવા અને બેઠકો વધારવા માટે અંદાજે 150થી વધારે સંસ્થાઓએ દરખાસ્ત કરી છે. સમિતિના સૂત્રો કહે છે કે, ગત વર્ષની બેઠકોમાં 400થી 500 બેઠકોનો વધારો થાય તેવી શક્યતા છે.