પી.જી. ડેન્ટલની 258 બેઠકો માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ
રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે 24મીથી આગામી 29મી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન અને 30મી સુધીમાં હેલ્પસેન્ટર પર જઇને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. રાજ્યમાં 11 કોલેજોની 258 બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યની જુદી જુદી ડેન્ટલ કોલેજોમાં ચાલતાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે નીટ-એમડીએસ લેવામાં આવી હતી. આ પરીક્ષાની લાયકાતના આધારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.
આગામી 29મી સુધી પીન વિતરણ અને રજિસ્ટ્રેશન થઇ શકશે. વિદ્યાર્થીઓ 28 હજાર રૂૂપિયા ચુકવીને પીન ખરીદી કરવાની રહેશે. હાલમાં પીજી ડેન્ટલમાં અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજમાં જનરલ કવોટા, મેનેજમેન્ટ કવોટા, એનઆરઆઇ સહિતની કુલ 36 બેઠકો ઉપલબ્ધ છે. આજ રીતે જામનગર ડેન્ટલમાં 19, અમદાવાદ ડેન્ટલ કોલેજ, ભાડજમાં 39, એએમસી ડેન્ટલ કોલેજમાં 15, બોપલ ડેન્ટલ કોલેજમાં 24, ગોએન્કા ડેન્ટલ કોલેજ, ગાંધીનગરમાં 23, વડોદરાની મનુભાઇ પટેલ ડેન્ટલ કોલેજમાં 15, ધરમસિંહ દેસાઇ ડેન્ટલ કોલેજ, નડિયાદમાં 18, કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં 18 અને વીસનગરની ડેન્ટલ કોલેજમાં 33 મળીને કુલ 258 બેઠકો ઉપલબ્ધ છે. જોકે, વર્ષ 2025-26માં એડમીશન માટે કુલ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા 285 છે.