મંદી કે મર્યાદિત માંગ ? ઓછી કિંમતની મિલકતોનું વેચાણ વધ્યું
જિલ્લાની 18 સબ રજિ. ઓફિસમાં ગયા મહિના કરતા 527 દસ્તાવેજ વધુ નોંધાયા છતાં સરકારની આવકમાં 6.08 કરોડનું ગાબડું
વર્ષ 2024મા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર કચેરીમા 1.60 લાખ જેટલા દસ્તાવેજો નોંધાયા બાદ આ વર્ષની શરૂઆત જ મંદીથી શરૂ થઇ હોય તેવુ ચિત્ર ઉપસી રહયુ છે. ડીસેમ્બર 2024 કરતા જાન્યુઆરી 2025મા દસ્તાવેજ વધુ નોંધાયા છે. પરંતુ સરકારની રજીસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટીની આવકમા રૂા. 6.08 કરોડ જેટલુ ગાબડુ પડયુ છે. હાલમા સરકારે ડ્રાફટ જંત્રી સામે માંગેલા વાંધા સુચનો આપવાની મુદત પુરી થઇ ગઇ છે અને ફલેટ કે નાના પ્લોટીંગ ક્ષેત્રે પણ પાંખી ડિમાન્ડ જોવા મળી રહી છે.
લકઝરી અને અપર લકઝરી સેગમેન્ટમા ઘણા બધા પ્રોજેકટસમાં બુકીંગ સાવ નહીવત જેવા જોવા મળી રહયા છે. હાલમા લોકો ખાસ જરૂરીયાત હોય તો જ નવુ ઇન્વેસ્ટમેન્ટ કરે કે નવી પ્રોપર્ટી ખરીદે છે. આની સીધી અસર સબ રજીસ્ટ્રાર ઓફીસમા નોંધાતા દસ્તાવેજ પર જોવા મળી રહી છે. જાન્યુઆરી 2025મા જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર ઓફીસમા 1378ર દસ્તાવેજ નોંધાયા હતા. જયારે ડીસેમ્બર મહિનામા 13255 દસ્તાવેજ નોંધાયા હતા. ડીસેમ્બર મહીનામા રજીસ્ટેશન ફી પેટે 11,65,80,949 રૂૂપિયાની આવક નોંધાઇ હતી. જયારે સ્ટેમ્પ ડયુટી પેટે 69,21,57,547 રૂૂપિયાની આવક નોંધાતા કુલ આવક 80.87 કરોડ પહોંચી હતી. જયારે જાન્યુઆરી 2025મા રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 10,80,16,499 અને સ્ટેમ્પ ડયુટી પેટે રૂા. 63,99,83,186ની આવક થઇ હતી. જેથી જાન્યુઆરી 2025ની કુલ આવક રૂા. 74,79,99,685 નોંધાઇ છે.
આમ ડીસેમ્બર કરતા જાન્યુઆરીમા અંદાજે રૂા. 6.08 કરોડનુ ગાબડુ પડયુ છે. જાન્યુઆરી 2025મા સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ સબ રજીસ્ટ્રાર ઓફીસ ખાતે નોંધાયા હતા. મોરબી રોડ ઓફીસ ખાતે 1666, મવડી ઓફીસ ખાતે 1307, ગોંડલ ઓફીસ ખાતે 1298, લોધીકા ઓફીસ ખાતે 1026, કોઠારીયા ઓફીસ ખાતે 1016, રૈયા ઓફીસ ખાતે 1232 દસ્તાવેજ નોંધાયા હતા. રાજકોટ શહેરની મોટાભાગની સબ રજીસ્ટ્રાર ઓફીસોમા ડીસેમ્બર 2024 કરતા જાન્યુઆરી 2025મા દસ્તાવેજ વધુ નોંધાયા હતા. પરંતુ તેની સામે આવક ઘટી હતી. જેનો સીધો મતલબ એ છે કે હાઇ વેલ્યુ કરતા લો વેલ્યુના દસ્તાવેજ વધુ નોંધાયા છે. લોકોની ડીમાન્ડ હવે લો વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ કે ફલેટ, મકાન તરફ વળી રહી છે.