મંદીનો માર, સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઇનો
સુરતમાં રત્નકલાકારોની સ્થિતિ ખરાબ, ખાનગી શાળાઓમાંથી બાળકોને ઉઠાડી સરકારી સ્કૂલોમાં બેસાડવા માટે દોટ
હીરા ઉદ્યોગની મંદીએ વાતાવરણ બગાડ્યું, મોંઘી ફી વસુલતી ખાનગી શાળાઓથી મોહભંગ
હીરા ઉદ્યોગમાં ચાલતી ભયંકર મંદીની સૌથી વધુ અસર હીરાનગરી તરીકે ઓળખાતા સુરત ઉપર પડી છે. મંદીના કારણે હજારો રત્નકલાકારો બેકાર બની જતા ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે મોંઘી ફી વસુલતી ખાનગી શાળાઓમાંથી બાળકોને ઉઠાડી લઇ સરકારી સ્કૂલોમાં એડમીશન માટે વાલીઓએ લાઇનો લગાડી છે અને તેના કારણે સુરતની સરકારી શાળાઓમાં વર્ગો ખૂટી પડ્યા જેવી સ્થિતી સર્જાયેલ છે.
હાલ સ્કૂલમાં મિશન એડમિશન ચાલી રહ્યું છે. વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે, પરંતુ સુરતમાં સ્થિતિ જુદી છે. અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
એડમિશન માટે વાલીઓ ચાર-પાંચ કલાક પહેલાંથી જ લાઈનમાં ઊભા થઈ જાય છે. આ લાઈન અડધો કિલોમીટર સુધી લાંબી હોય છે. લિમિટેડ 500 સીટ પર 5000 જેટલા વાલીઓ ફોર્મ ભરી રહ્યા છે. મોટાભાગના વાલીઓ એવા પણ છે, જેઓ પોતાનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં એડમિશન અપાવવા માગે છે.
રત્નકલાકારો માટે સરકારી સ્કૂલો વરદાન સાબિત થઈ જે લોકોની પરિસ્થિતિ સારી નથી અને પ્રાઇવેટ સ્કૂલોની જેમ પોતાનાં બાળકોને નિ:શુલ્ક ભણાવવા માગતા હોય એવા રત્નકલાકારો માટે પણ સરકારી સ્કૂલો વરદાન સાબિત થઈ છે. ખાસ કરીને વરાછા, અમરોલી, કતારગામ, કાપોદ્રા વિસ્તારમાં જે રત્નકલાકારની પરિસ્થિતિ સારી નથી તેઓ પોતાનાં બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી કાઢીને સરકારી સ્કૂલોમાં એડમિશન આપવા દોડધામ કરી રહ્યા છે.
ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે વાલીઓ વહેલી સવારથી લાઈનમાં જોવા મળે છે. ખાનગી સ્કૂલોમાંથી બાળકોને ઉઠાવી મનપાની સ્કૂલોમાં એડમિશન લઈ રહ્યા છે. 1500થી પણ વધુ વાલીઓ એડમિશન માટે વહેલી સવારથી લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 300થી વધારે સ્કૂલો છે અને હાલ ત્યાં પ્રાઇવેટ સ્કૂલોને પણ ટક્કર આપે એવી તમામ સુવિધાઓ છે. નિ:શુલ્ક પુસ્તક, ગણવેશ, બૂટ સહિતની સુવિધાઓ મળે છે. અનેક સ્કૂલોમાં મસમોટી ફી લે છે પરંતુ આધુનિક સુવિધા આપતી નથી. અત્યારે સરકારી સ્કૂલોમાં તમામ સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટર લેબની સુવિધાઓ છે. હાલમાં જ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડિજિટલ અને વૈજ્ઞાનિક ભણતર સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પણ ધ્યાનમાં રાખીને કોર્સ શરૂૂ કરવામાં આવ્યા છે.