મંદીનો માર; અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 250%નો ઘટાડો
કોરોના કાળ બાદ રોકાણમાં સતત ઘટાડાથી અનેક બિલ્ડરો ભીંસમાં, 2017-18માં 8800 કરોડના રોકાણ સામે 24-25માં 3300 કરોડનું જ રોકાણ
ગુજરાતમાં રોકાણોમાં 159 ટકાના ઘટાડા સામે અમદાવાદને સૌથી વધુ માર
ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર છેલ્લા એક વર્ષથી મંદીની ભારે અસર જોવા મળી રહી છે અને તેના કારણે ગુજરાતના ફાઇનાન્સિયલ કેપિટલ ગણાતા અમદાવાદમાં કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં કોરોના કાળ બાદ 250 ટકાનો તોતીંગ ઘટાડો થતા અનેક બિલ્ડરો આર્થિક ભીંસમાં મુકાઇ ગયા છે.
અમદાવાદમાં કોમર્સિયલ રિયલ્ટીના વળતા પાણી હોય તેમ લાગે છે. તેમાં કરવામાં આવતા નાણાકીય રોકાણમાં 250 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. એક સમય હતો જ્યારે 2017-18માં અમદાવાદમાં કોમર્સિયલ રિયલ્ટી માર્કેટમાં રૂૂ. 8,800 કરોડ કરતાં વધારે જંગી રોકાણ થયું હતું અને તેની તુલનાએ 2024-25માં 250 ટકાનો જંગી ઘટાડો થયો. આ રોકાણ ઘટીને રૂૂ.3,300 કરોડ થઈ ગયું છે. આ પુરવાર કરે છે કે અમદાવાદના કોમર્સિયલ રિયલ્ટી માર્કેટમાં ખાસ વળતર ન હોવાથી નવા રોકાણકારો આવી રહ્યા નથી.
ગુજરાતની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન રોકાણમાં 159 ટકાનો ઘટાડો થયો છે. 2017-18માં ગુજરાતના કોમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રોકાણ 19,353 કરોડ રૂૂપિયા હતું, જે 2024-25માં ઘટીને 12,152 કરોડ રૂૂપિયા થઈ ગયું છે.
યુનિટ્સની વાત કરીએ તો, આમાં વિરોધાભાસ છે, કારણ કે 2024-25માં ગુજરાતના કોમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો થયો છે, જ્યારે અમદાવાદમાં આ જ સમયગાળામાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુજરેરાના તાજેતરના અહેવાલ મુજબ, 2024-25માં ગુજરાતમાં નોંધાયેલા કોમર્શિયલ યુનિટ્સની સંખ્યા 31,520 હતી, જે પાછલા વર્ષના 25,235 યુનિટ્સ કરતાં વધુ છે. જે વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો દર્શાવે છે.
જોકે, અમદાવાદમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. આ જ સમયગાળા દરમિયાન, અમદાવાદમાં નોંધણી 8,645 એકમોથી ઘટીને 8,523 એકમો થઈ ગઈ, જે 1.4 % નો ઘટાડો દર્શાવે છે. અમદાવાદના કોમર્શિયલ રિયલ એસ્ટેટ બજારે 2017-18 થી 2020-21 સુધી સંઘર્ષ ચાલુ રાખ્યો. 2020-21માં, પ્રોજેક્ટ નોંધણીમાં 39.8% નો ઘટાડો થયો, જ્યારે ખર્ચમાં 50.9% નો ઘટાડો થયો.
અમદાવાદમાં 2017-18માં 193 કોમર્શિયલ પ્રોજેક્ટ નોંધાયા હતા, જે 2020-21માં ઘટીને માત્ર 65 થયા હતા. 2024-25માં સુધારો થયો છે, પરંતુ તે નજીવો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ફક્ત 72 પ્રોજેક્ટ નોંધાયા હતા.
2021-22માં આવેલો સુધારો અલ્પજીવી નીકળ્યો
રિયલ એસ્ટેટ માર્કેટમાં 2021-22માં સુધારો થયો, જેમાં પ્રોજેક્ટમાં 26.2% અને યુનિટ્સમાં 11.3% નો વધારો થયો. પરંતુ આ સુધારો અલ્પજીવી રહ્યો, કારણ કે 2022-23માં પ્રોજેક્ટ્સમાં 14.6% અને ખર્ચમાં 17.6% નો ઘટાડો થયો. 2023-24માં ઓછા પ્રોજેક્ટ્સ હોવા છતાં, ખર્ચમાં 93 ટકાનો વધારો થયો, પરંતુ 2024-25માં બજારને ફરીથી ફટકો પડ્યો, જેમાં ખર્ચમાં 10.7 ટકા અને યુનિટ્સમાં 1.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.