દ્વારકા પાલિકાને બાંધકામ મંજૂરીની પુન:સત્તા
અગાઉ આવેલ અને 30 સપ્ટેમ્બર સુધી આવનાર અરજીઓને પાલિકા કક્ષાએથી મંજૂરી મળશે
આશરે છ માસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને ઓખાના વિકાસકાર્યોને વેગવંતા બનાવવાના આશય સાથે દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચનાની જાહેરાત કરાયેલ.જેને હાલ સુધી કાર્યરત ન કરી શકાતા અને સરકારની જાહેરાત બાદ દ્વારકા અને ઓખા નગરપાલીકા પાસેથી કોઈપણ પ્રકારના રહેણાંક કે કોમર્શીયલ બાંધકામને મંજૂરી આપવાની સત્તા છીનવાઈ જતાં આ બંને નગરપાલીકા વિસ્તારમાં વિકાસકાર્યો અટકી જતાં અરજદારો મુશ્કેલીમાં મૂકાયા હતા. આથી શહેરી વિકાસ મંત્રાલયે દ્વારકા અને ઓખા પાલિકાને બાંધકામ મંજુરીની સત્તા આપવાની જાહેરાત કરી છે.
જુલાઈ માસમાં ખંભાળીયા કલેક્ટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર જી.ટી.પંડયા સહિત અધિકારીગણની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન મીટીંગમાં બંને નગરપાલીકા વિસ્તારના લોકોને પડતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. બાદમાં આ અંગે કલેકટર જી.ટી.પંડયા દ્વારા રાજય સરકારને વિકાસના પરવાના ઈશ્યુ કરવાની સત્તા દ્વારકા તથા ઓખા નગરપાલીકાને પુન: આપવા રજૂઆત કરેલ.
આ પ્રશ્ન આજરોજ રાજયના શહેરી વિકાસ મંત્રાલય વિભાગ દ્વારા આગામી 30-09-2024 સુધી ઓખા અને દ્વારકા નગરપાલીકા હસ્તકના વિકાસના પરવાના અંગે આવેલ અરજીઓ તેમજ આગામી 30મી સુધી વિકાસકાર્યો માટે જે કોઈ અરજી આવે તેને અગાઉની જેમ જ નગરપાલીકા કક્ષાએથી મંજૂરી આપવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સમાચારથી દ્વારકા અને ઓખા નગરપાલીકા વિસ્તારમાં બાંધકામ ઈચ્છુક નાના અને મધ્યમવર્ગના શહેરીજનો તેમજ ધંધાકીય એકમ શરૂૂ કરવા માંગતા બીઝનેસમેનોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ સાથે છેલ્લાં છ માસ દરમ્યાન મંજૂરીને અભાવે અટકેલા બાંધકામોને મંજૂરી મળ્યે પુન: વિકાસકાર્યોને વેગ મળશે.
ફેબ્રુઆરી માસમાં સુદર્શન સેતુના લોકાર્પણ હેતુ પ્રધાનમંત્રી મોદીની દ્વારકા બેટ દ્વારકાની મુલાકાતના આશરે દસેક દિવસ બાદ માર્ચ માસમાં ગુજરાત સરકાર દ્વારા દ્વારકા તથા ઓખા નગરપાલીકાને વિસ્તાર વિકાસ સત્તામંડળ તરીકેનો દરજજો છીનવી લઈ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કર્યાના આશરે છ માસના સમયગાળા બાદ પણ ઉઘઞઉઅ માત્ર કાગળ પર જ રહી જતાં ઓખા તથા દ્વારકા નગરપાલીકા સહિતના વિસ્તારોમાં બાંધકામ પરવાનગી અટકી જતાં અનેક નવા નિર્માણો અટકી ગયા હતા.
આશરે છ માસથી દ્વારકા તેમજ ઓખા નગરપાલીકા પાસેથી દરજ્જો છિનવાઈ જતાં નવા ઘર, દુકાનો તથા અન્ય કોમર્શીયલ બાંધકામોની પરવાનગી માંગતી અરજીઓ અંગે નગરપાલીકાના અધિકારીઓએ આ માટે મંજૂરી આપવાની સત્તા તેઓને ન હોવાનું જણાવી ના પાડી દીધી હતી અને આવી મંજૂરી આપવા માટેની જવાબદાર સત્તા તરીકે દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઉઘઞઉઅ) ની કામગીરી શરૂૂ કરવાની હજુ બાકી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
અનધિકૃત બાંધકામોમાં વધારો
એક તરફ બંને નગરપાલીકાઓએ સત્તાના અભાવે લોકોના વિકાસલક્ષી કામોની મંજૂરી બંધ કરી દેવામાં આવી છે તો બીજી તરફ સરકારની ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીયાન સીસ્ટમ પર પણ આવી અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવતી ન હોય બંને નગરપાલીકા વિસ્તારમાં લોકો મંજૂરી માટે અહીંથી ત્યાં ભટકી રહ્યા હોવાનું અને લોકો પાસે કોઈ વિકલ્પ જ ન હોવાનું સ્થાનીય અગ્રણીએ જણાવ્યું છે. તો અન્ય એક અગ્રણી કહેલ કે લોકોને વિકાસ પરવાનગી માટે કયાંય જવાનું ન હોય જેના કારણે ઘણા બધા અનધિકૃત બાંધકામો પણ થઈ રહ્યા હતા.