શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રીડિંગ રૂમ ખુલ્લો મુકાયો
રીડિંગ રૂમમાં વાઇફાઇ, લોકર, આરામદાયક ખુરશી, એસી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો.ડો કમલસિંહ ડોડિયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે બેસીને વાંચન કરી શકે તેવા અતિઆધુનિક સુવિધાસભર રીડિંગ રૂૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રીડિંગ રૂૂમનો ઉદઘાટન સમારોહ 1 ઓગસ્ટ ને ગુરુવારે બપોરે 3 વાગ્યે યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયાએ ખાસ ઉપસ્થિત રહીને પોતાના વરદ હસ્તે રીડિંગ રૂૂમની રીબીન કાપીને ઉદઘાટન કર્યું હતું.
રીડિંગ રૂૂમના ઉદઘાટન બાદ સરદાર પટેલ ભવનના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ અકબરીએ સંસ્થાના કાર્ય અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ યુવાનોને આગળ વધવા પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. ઉદઘાટન પ્રસંગે હાજરી આપનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયાનું નરેશભાઈ પટેલ અને હરેશભાઈ પરસાણાએ ખોડલધામનો ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, મહેમાનો, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી વિજયભાઈ સિયાણી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયાએ પોતાના સંબોધનમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી રહેલા આ કાર્યની સરાહના કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવીને આપ જે પણ હોદ્દા પર પહોંચો ત્યારે સંસ્થાના ઉદ્દેશો અને સંસ્થાના હોદ્દેદારો-ટ્રસ્ટીઓની મહેનતને ધ્યાનમાં રાખીને આગળ વધજો. કેમ કે તમારી સફળતા પાછળ અનેક લોકોનો પરિશ્રમ હોય છે.
સાથે જ યુવાનોને જીવનમાં કોઈપણ પરિસ્થિતિ સામે લડીને આગળ વધી શકો તેવા બનવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમમાં સંબોધનમાં રીડિંગ રૂૂમના નિર્માણ બદલ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ સારું ભવિષ્ય બનાવે તેમ જણાવ્યું હતું. શ્રી સરદાર પટેલ ભવન ખાતે નિર્માણ પામેલા આ રીડિંગ રૂૂમનો લાભ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો લઈ શકશે. રીડિંગ રૂૂમમાં ફ્રી વાઈફાઈ, લોકર, આરામદાયક ખુરશી, એસી સહિતની અતિઆધુનિક સુવિધા મળશે. આ રીડિંગ રૂૂમનો લાભ સર્વ સમાજના યુવાનો લઈ શકશે. વધુ માહિતી માટે મો.નં. 74860 39344 સંપર્ક કરવો.