કાળમુખા કોરોનાની રિ-એન્ટ્રી, વૃદ્ધાનું મોત
- રાજકોટ સારવારમાં વૃદ્ધાએ દમ તોડતા લોકોમાં ભય અને તંત્રમાં વધતી ચિંતા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાની દહેશત વચ્ચે કાળમુખા કોરોનાએ રિ-એન્ટ્રી કરતાની સાથે જ ઉપલેટના વૃદ્ધાનો ભોગ લેતા લોકોમાં ભય અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં રહેતા મુક્તાબેન નામના 65 વર્ષના વૃદ્ધાની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાના ફેફસામ ડેમેજ હોવાનું જાણવા મળ્યું હતું. વૃદ્ધા કોરોનાની ઝપટે ચડ્યા હોવાની દહેશતે તબીબો દ્વારા વૃદ્ધાના લોહીના સેમ્પલ લઇ પૃથકરણ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જુનાગઢ હોસ્પિટલના તબીબોએ ખડે પગે વૃદ્ધાની સારવાર શરૂૂ કરી હતી. વૃદ્ધાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર દ્વારા જુનાગઢ હોસ્પિટલમાંથી વૃદ્ધાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. લાંબા સમય બાદ કોરોનાએ રીએન્ટ્રી કરતાની સાથે જ વૃદ્ધાનો ભોગ લેતા લોકોમાં ભય અને તંત્રમાં ચિંતા પ્રસરી છે.
કોરોનાએ પાંચ માસ બાદ વધુ એકનો ભોગ લીધો
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોનાના કારણે અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ છે. અને અનેક પરિવારોના માળા પિંખાયા છે. ત્યારે કોરોનાએ ટૂંકો વિરામ લીધો હોય તેમ છેલ્લા પાંચેક માસથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી પરંતુ હાલ મિશ્ર ઋતુમાં વકરી રહેલા રોગચાળા અને હૃદયરોગના હુમલાની દહેશત વચ્ચે કોરોનાએ ફરી માથું ઊંચક્યું હોય તેમ રિ-એન્ટ્રીની સાથે જ વધુ એકનો ભોગ લીધો છે. ભરી દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
કાળમુખા કોરોનાએ ફરી ઉપાડો લીધો હોય તેમ ઉપલેટા વૃધ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું છે. ચૂંટણી ટાણે જ કોરોનાએ ફરી દેખા દેતા નેતાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. ટૂંક સમય પહેલા જ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવતા રાજકીય પાર્ટીઓ ચૂંટણી લડવા પોતાના નેતાઓને મેદાન ઉતારી રહ્યા છે ત્યારે કોરોનાએ ચૂંટણી ટાણે જ ફરી માથું ઊંચકતા તંત્રમાં ચિંતા પ્રસરી છે.