For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

R&Bએ 30ના બદલે 50% સ્ટોલ ઘટાડી નાખતા લે આઉટ પ્લાન પરત

05:39 PM Jul 31, 2024 IST | admin
r amp bએ 30ના બદલે 50  સ્ટોલ ઘટાડી નાખતા લે આઉટ પ્લાન પરત

રોગચાળાને ધ્યાને રાખી લોકમેળામાં ફૂડ વિભાગને સઘન ચેકિંગ કરવા કલેક્ટરનો આદેશ : અત્યાર સુધીમાં 604 ફોર્મ ઉપડ્યા, 1.20 લાખની આવક : યાંત્રિક રાઈડસની ચકાસણી માટે અલગ સમિતિ બનાવી

Advertisement

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે યોજાતાં લોકમેળામાં 7મી વખત લેઆઉટ પ્લાન પરત કર્યો છે. અગાઉ સુરક્ષાને ધ્યાને રાખીને લેઆઉટ પ્લાનમાં જરૂરી ફેરફારો કલેકટરે સુચવ્યા બાદ ફાઈનલ લેઆઉટ પ્લાન લોક મેળા સમિતિની બેઠકમાં આર એન્ડ બીએ રજૂ કર્યો હતો. જેમાં 30ના બદલે 50 ટકા સ્ટોલ ઘટાડી નાખતાં કલેકટરે ફરી એક વખત લેઆઉટ પ્લાન પરત કરી ફેરફાર કરવા સુચના આપી છે.

રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આગામી તા.24 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને મેળામાં ફરવા આવતાં લાખો લોકોની સુરક્ષા માટે કલેકટરે રાજ્ય સરકારની એસઓપીના આધારે લોકમેળામાં જરૂરી પગલાં લીધા છે જેમાં સીસીટીવી ફરજિયાત કર્યા છે તેમજ ફાયર એનઓસી અને અગ્નિશામક સાધનો અને યાંત્રિક રાઈડસ માટે ફીટનેસ સર્ટીફીકેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. જ્યારે ગત વર્ષની સરખામણીમાં 30 ટકા સ્ટોલ ઘટાડી નાખવામાં આવ્યા છે.

Advertisement

લોકમેળાના આયોજન માટે ગઈકાલે કલેકટરના અધ્યક્ષસ્થાને 19 સમિતિની બેઠક મળી હતી. જેમાં લોકમેળામાં ઘોઘાટ બંધ કરવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ ફેરીયાઓને નો એન્ટ્રી અને ગત વર્ષની સરખામણીમાં સિકયુરિટી 25 ટકા વધારવામાં આવી છે તેમજ રાઈટસના ટીકીટ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પ્લોટ અને સ્ટોલના ભાડામાં 10 થી 15 ટકા જેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

લોકમેળા સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ફુડ વિભાગને ખાસ સુચના આપી રોગચાળાને ધ્યાને રાખીને લોક મેળામાં કોઈ વાસી ખોરાકનું કે ભેળસેળીયા ખોરાકનું વેચાણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અને તબક્કાવાર ચેકીંગ કરવા આદેશ આપ્યો છે. જ્યારે રાત્રિનાં 11.30 કલાકે લોકમેળામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે અને લોકમેળામાં યાંત્રિક રાઈડોની ચકાસણી માટે અલગ સમિતિની પણ રચના કરવામાં આવી છે.

લોકમેળામાં અત્યાર સુધીમાં કુલ 604 ફોર્મ ઉપડયા છે જેમાં 486 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે જેમાં રમકડાંના સ્ટોલ માટે 226, સી કેટેગરીના ખાણીપીણી માટે 18 ફોર્મ, જે કેટેગરીની મધ્યમ ચકરડી માટે 43, કે-કેટેગરીની નાની ચકરડી માટે 57, ખાણી પીણીના એ કેટેગીરીના મોટા સ્ટોલ માટે 3, બી કેટેગરીના ખાણી પીણીના સ્ટોલ માટે 38, ઈ કેટેગરીની યાંત્રિક રાઈડસ માટે 15 ફોર્મ, એફ કેટેગરીની યાંત્રિક રાઈડસ માટે 7, જી કેટેગરીની યાંત્રિક રાઈડસ માટે 44 અને એચ કેટેગરીની યાંત્રિક રાઈડસ માટે 26 ફોર્મ ભરાયા છે.

જ્યારે એચ કેટેગરીના આઈસ્ક્રીમ ચોગઠા માટે 8 ફોર્મ ભરાયા હોવાનું અને અત્યાર સુધીમાં લોક મેળા સમિતિને ફોર્મમાંથી જ 1,20,800ની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement