રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંબરીશ ડેરના કોંગ્રેસને રામરામ, મોઢવાડિયા પણ ધડાકો કરશે?

05:25 PM Mar 04, 2024 IST | admin
Advertisement

ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા આગામી ગુરૂવારે પ્રવેશ કરે તે પુર્વે ‘ઓપરેશન કમલ’ અંતર્ગત ભાજપે જબરો રાજકીય ખેલ પાડયો છે અને રાજુલાના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય અંબરીશ ડેરની વિકેટ ખેડવી છે. જયારે પોરબંદરના ધારાસભ્ય અને પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા પણ ગમે ત્યારે કોંગ્રેસને રામરામ કરી કેસરીયા કરે તેવી ચર્ચાએ ગાંધીનગરમાં જોર પકડયું છે. આ સિવાય દ્વારકા જીલ્લાના કોંગે્રેસના મજબુત નેતા ગણાતા મુળુભાઇ કંડોળીયા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ રહ્યાની ચર્ચા શરૂ થઇ છે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન મળી રહ્યું નથી.

Advertisement

અંબરીશ ડેર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ રહ્યાની ચર્ચાઓ વચ્ચે આજે સવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અચાનક જ ગાંધીનગરમાં અંબરીશ ડેરના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ડેર સાથે લાંબી બેઠક યોજયા બાદ રાજકીય ઘટનાક્રમ શરૂ થયો હતો.અંબરીશ ડેરે ભાજપ પ્રમુખ સાથે બેઠક કર્યાના સમાચાર મળતા જ કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહેલે વિલંબ કર્યા વગર અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
પાટીલ સાથે બેઠક સમયે અંબરીશ ડેરના નિવાસસ્થાને કલાકાર માયાભાઇ આહીર તેમજ આહીર સમાજના કેટલાક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તુરત જ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી અને આવતીકાલે મંગળવારે વિધિવત ભાજપમા જોડાવાની પણ જાહેરાત કરી દીધી હતી.

બીજી તરફ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ પણ ગમે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ રહ્યાની ચર્ચાએ ગાંધીનગરમાં જોર પકડયું છે.
આ ચર્ચા અંગે અર્જુનભાઇનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમનો ફોન સતત નો-રિપ્લાય થયો હતો. સાથો સાથ મોઢવાડીયાએ પણ મીડીયા સામે આવીને ભાજપમાં જોડાઇ રહ્યાની વાતોનું ખંડન કર્યું નથી. પરિણામે કંઇક રંધાઇ રહ્યાની શંકા દ્રઢ બની છે. જો કે કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અર્જુનભાઇ કોંગ્રેસ સાથે જ હોવાની સ્પષ્ટતા કરી હતી અને ભાજપમાં નહીં જોડાય તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતા અંબરિશ ડેરને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવુ સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું હતું. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા આમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. પાટીલે અંબરીશ ડેર માટે કહ્યુ હતું કે, જેના માટે મેં બસમાં રૂૂમાલ મૂકી રાખ્યો, પણ બસ ચૂકી ગયા. મારો મિત્ર છે અને તેને હુ લાવવાનો જ છું હાથ પકડીને.

હીરાભાઇને લોકસભાની ટિકિટ આપી ડેરને પેટા ચૂંટણી લડાવાશે?
રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા જ ભાવનગર લોકસભાની બેઠકના સમિકરણો બદલાયા છે. રાજકીય મોરચે એવી ચર્ચા છે કે, રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી ભાવનગર લોકસભાની ટિકિટ આપવામાં આવશે. જયારે રાજુલાની બેઠક ઉપર અંબરીશ ડેરને ભાજપની ટિકીટ આપી પેટા ચુંટણી લડાવવામાં આવી શકે છે. જો કે, આ રાજકીય સોદાબાજી અંગે ભાજપ કે અંબરીશ ડેરે મૌન સેવ્યું છે.

Tags :
BJPCongressgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement