ડોકટર, વકીલ, પોલીસના પહેરવેશમાં કિન્નરોનું રેમ્પ વોક
સુરતના વેસુ વિસ્તારમાં ઉમ્મીદ મહિલા મંડળ દ્વારા કિન્નરોના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં દરેક ક્ષેત્રમાં તેમને સ્વીકાર મળે અને માન સન્માન મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નરોએ ડોક્ટર, વકીલ, પોલીસ, ફેશનિસ્ટ, બ્યૂટીશિયન સહિતના પહેરવેશમાં રેમ્પવોકની સાથે ડાન્સ કરીને સૌ કોઈના મન મોહી લીધા હતાં. ઉમ્મીદ ફાઉન્ડેશનના પ્રમુખ સરીતા ગટ્ટાનીએ કહ્યું કે, કિન્નરોને સમાજમાં મહત્વ મળે તે માટે અમે કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ફેશન શો માટે કિન્નરોને લગભગ એક અઠવાડિયા દરમિયાન રોજના બે કલાક જેવી તાલિમ આપવામાં આવી હતી. 25થી વધુ કિન્નરોએ આ કાર્યક્રમમાં અલગ અલગ રોલમાં રેમ્પ વોક્ કર્યું હતું. કિન્નરોએ ક્હ્યું કે અમારો સ્વીકાર હવે તમામ જગ્યાએ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમથી અમને એક નવી ઓળખ મળી રહી છે. અમારો સ્વીકાર સમાજ કરી રહ્યો છે. આજે અમે ફેશન શોમાં રેમ્પ વોક કરીને ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છીએ.