રંગલાના પાત્રને પડદા પર જીવંત કરનાર રમેશભાઇ તુરીનું નિધન
નાટ્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત જૂની ગુજરાતી રંગભૂમિ અને ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી રંગલાનું 81 વર્ષે નિધન થતાં કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. કલા જગતમાં તુરી કાકા તરીકે આદરભર્યું સ્થાન મેળવનાર રમેશ તુરીની વિદાયથી ભવાઈ કલાનો જગમગતો છેલ્લો સિતારો અસ્ત પામ્યો છે. ભવાઈ, નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ જેવા અભિવ્યક્તિના વિવિધ કલા મંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી તેમણે જીવનના રંગમંચ પરથી કાયમ માટે વિદાય લીધી છે.
રમેશ તુરીનું મૂળ નામ રેવાભાઈ નથુભાઈ તુરી હતું. તેમનું વતન અને જન્મસ્થળ પાટણ તાલુકાનું બાલીસણા ગામ છે. જ્યારે તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે. રમેશ તુરી જન્મજાત ભવાઈનો વ્યવસાય કરતી તુરી કોમના હતા. આથી કળા વારસો એમના લોહીમાં હતો. બાપદાદાના આ વારસાને એમણે આજીવન સાચવી રાખ્યો અને અનેકવિધ પાત્રો સાથે રંગલાના પાત્રથી આગવી ઓળખ મેળવી હતી. વર્ષ 1954 થી ભવાઈ સાથે જોડાયા ત્યારબાદ તેમણે કદી પાછું વળી જોયું નથી.
પ્રથમ ગુજરાતી ફિલ્મ શેઠ સગાળશાથી શરૂૂઆત કર્યા બાદ તેમણે ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દી ભાષાની 500 જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ ભજવી. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, મેગા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા, સુપર સ્ટાર હિતેન કુમાર, ફિરોજ ઈરાની, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન સેર કરી તો તેમના લખેલા સંવાદો અને પટકથા પર અનેક કલાકારોએ પોતાની ભૂમિકા ભજવી લોકપ્રિયતા મેળવી છે. નાટ્ય ક્ષેત્રે આપેલા તેમના યોગદાનની કદર રૂૂપે રાજ્ય સરકાર દ્વારા તેમને વર્ષ 2012 માં ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.