For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા સહસ્ત્રાબ્દી સુધી યાદ રહે તેવું દાયિત્વ છે : ભૂપેન્દ્ર પટેલ

11:45 AM Feb 06, 2024 IST | Bhumika
રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા સહસ્ત્રાબ્દી સુધી યાદ રહે તેવું દાયિત્વ છે   ભૂપેન્દ્ર પટેલ

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભાઇ ગૃહમાં રજૂ

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આનંદ અને ગૌરવની લાગણી સાથે ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે, 500થી વધુ વર્ષથી પ્રતીક્ષા કરનાર ભક્તિમય હિન્દુ સમાજ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનને કારણે રામલલ્લાને અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી શક્યો છે.

22મી એ અભિજીત મુહૂર્તમાં ગુજરાતના જ સુપુત્ર અને આ સભાગૃહના સન્માનનીય ભૂતપૂર્વ નેતા નરેન્દ્રભાઈ મોદીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતની પ્રજા એ ક્ષણે ભાવવિભોર બની ગઈ હતી તેમજ ગુજરાતીઓ માટે ગૌરવ અને સન્માન વધારનારી ક્ષણ હતી તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

Advertisement

તેમણે વધુમાં કહ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે. આ સમગ્ર કાળખંડમાં ત્યાગ અને બલિદાનની પરંપરા રચનારા સૌ રામભક્તોનું આ વેળાએ આદરપૂર્વક સ્મરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષિ કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે 11 દિવસ તપશ્ચર્યા કરી હતી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગૃહ સમક્ષ પ્રજાપાલક રાજાધિરાજ રામની પૂજા-અર્ચના કરીને વડાપ્રધાનએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે તેના માટે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરવાની ઘડી ગણાવી હતી.
ગુજરાત વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે. નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોર વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનનીય નેતા હતા તેનું પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ ગૃહ સમક્ષ મૂક્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો આ સંકલ્પ રજૂ કરતા કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપાવ્યું છે.

મુખ્યમંત્રીએ ભગવાન આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો તેમજ અસંખ્ય ધર્મપ્રેમી રાજા તથા સંતોએ અયોધ્યાની ભૂમિ પર જન્મ લીધો હતો તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત ભગવાન બુદ્ધ અયોધ્યાની ભૂમિ ઉપર મહિનાઓ સુધી રહ્યા હતા અને મહર્ષિ વાલ્મિકીએ તો અયોધ્યાની તુલના ઇન્દ્રલોક સાથે કરી છે તે અંગે પણ જણાવ્યું હતું.

મુખ્યમંમંત્રીએ ઇતિહાસનો હવાલો આપતા કહ્યું હતું કે, અહીં વિક્રમાદિત્યએ કાળા પથ્થરના 84 સ્તંભો ધરાવતું પ્રથમ મંદિર નિર્માણ કરાવ્યું હતું. તેમજ મંદિરને બચાવવા અસંખ્ય યુદ્ધો થયા અને સંતો-ભક્તોએ કેટલીય ખુમારી વહોરવી પડી હતી અને શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહે રામ જન્મભૂમિ માટે બ્રહ્મકુંડ નજીક યુદ્ધ કર્યું હતું.

આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, આ જ રામ મંદિરના નિર્માણ માટે ત્રણ-ત્રણ ધર્મ પરિષદ યોજાઇ, શિલા પૂજન કાર્યક્રમ અને કારસેવાનું આહવાન થયું હતું. જનજાગરણ માટે રામજાનકી રથમાં મહંત અવૈદ્યનાથની આગેવાનીમાં સીતામઢીથી અયોધ્યા માટે ધર્મયાત્રા નીકળી હતી.

મુખ્યમંત્રીએ ગૌરવભેર કહ્યું હતું કે, આઝાદ ભારતમાં રામ મંદિર માટેનું આંદોલન કરનારી સૌ પ્રથમ રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. અયોધ્યામાં અરણી મંથનથી અગ્નિ પ્રગટાવ્યો તેને રામ જ્યોતિ નામ આપીને આ જ્યોતિ ભારતના પ્રત્યેક ગામડા સુધી લઈ જવાઈ હતી. તેમજ 1990માં પ્રથમ કાર સેવા થઈ, તે સમયે કારસેવકોએ ગુંબજ ઉપર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો અને 1992માં નગીતા જયંતીથના દિવસે કારસેવાનો પુન: આરંભ થયો, જેમાં બાબરી ધ્વંશ થયો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ રામલલ્લાના તંબુમાં બિરાજમાન થવાની ઘટના અંગે કહ્યું કે રામભક્તોએ પાંચ ફૂટ ઊંચી અને પચ્ચીસ ફૂટ લાંબી દીવાલો ચણી, જેમાં અસ્થાયીરૂૂપે પ્રભુ શ્રી રામ બિરાજ્યા હતા. અત્યાર સુધી સૌ શ્રદ્ધાળુઓએ જે તંબુમાં રામલલ્લાના દર્શન કર્યા તે સ્થાન 1992માં અસ્તિત્વમાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે તેની પાછળ શ્રી નરેન્દ્રભાઈનું અવિરત તપ, ત્યાગ અને તપસ્યા રહેલા છે એ દેશ આખાએ સ્વીકાર્યું અને વધાવ્યું છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે રામ મંદિરનું નિર્માણ માટે સંઘર્ષના સૂત્રધારોને યાદ કર્યા હતા અને તેમના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે, દેવરહા બાવાજી, અભિરામદાસજી મહારાજ, રામચંદ્રજી મહારાજ, કે. કે. નાયર, ઠાકુર ગુરુદત્ત સિંહ, ગોપાલસિંહ વિશારદ, મહંત અવૈદ્યનાથ મહારાજ, ઔકાર ભાવે, દેવકીનંદન અગ્રવાલ, શિવરામ આચાર્યજી, સ્વામી શતાનંદ સરસ્વતીજી, જગતગુરુ માધવાચાર્યજી, વિષ્ણુહરી દાલમીયા, સ્વામી રામદેવજી, પૂજ્ય શ્રી સત્યમિત્રાનંદજી, સંઘના તૃતીય સરસંઘચાલક બાલા સાહેબ દેવરસજી, મોરાપંત પીંગળે-સંઘ પ્રચારક, સંઘના ચોથા સરસંઘચાલક શ્રી રજ્જુ ભૈયાજી, આચાર્ય ગિરિરાજ કિશોરજી, રાજમાતા વિજયારાજે સિંધિયા, અશોક સિંઘલ... આવા અનેક સમર્પિત નેતૃત્વકર્તા જેમણે પ્રાણોની આહૂતિ કે વૈચારિક યોગદાન, સમયનું યોગદાન, આર્થિક યોગદાન, આપ્યું છે તેઓને યાદ કરવાનો આ અવસર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement