રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા કપાસ- મગફળીની બમ્પર આવક
રાજકોટના માર્કેટ યાર્ડમાં આજે મગફળી અને કપાસની મોટી આવક થઇ હતી. રવિવારની રજાને લીધે આજે આવક બેવડાઇ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. બન્ને જણસી ભરીને યાર્ડની બાજુમાં હાઇવે પર વાહનોની લાંબી કતાર જાગી હતી. છતાં ખેડૂતોની કોઇપણ ફરીયાદ વગર તમામ વાહનોને યાર્ડમાં પ્રવેશ આપીને મગફળી-કપાસની ઉતરાઇ વ્યવસ્થામાં યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ડિરેકટરો સહીતનો સ્ટાફ જોડાયો હતો.
બેડી માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારથી મગફળી અને કપાસ લઇને આવેલા વાહનોની લાઇન લાગી ગઇ હતી. યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યાનુસાર આજે યાર્ડમાં મગફળીની 20 હજાર ગુણીની આવક થઇ હતી. યાર્ડમાં જાડી મગફળીનો ભાવ મણે રૂા.900 થી રૂા.1135 અને જીણીનો ભાવ રૂા.1080 થી રૂા.1429 ભાવ બોલાયો હતો.
જયારે કપાસની આવક 10 હજાર ભારીની હતી. હરાજી દરમિયાન કપાસનો ભાવ મણે રૂા.1300 થી 1660 બોલાયો હતો. બન્ને જણસીના વાહનોને ક્રમશ: યાર્ડમાં પ્રવેશ અપાવવા યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ડિરેકટરો અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
અન્ય જણસીની આવકોમાં 700 કિવન્ટલ લસણની આવક વચ્ચે ભાવ મણે રૂા.3500-5250 બોલાયો હતો. 350 કિવન્ટલ ધાણાની આવક થતાં ભાવ રૂા.1161-1495 બોલાયા હતા. જયારે 20 કિવન્ટલ સુકા મરચાની આવક થતાં હરાજીમાં મણે રૂા.2500-3200 બોલાયા હતા.
મગફળી-કપાસની મોટી આવક બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે, રવિવારની રજાને લીધે બે દિવસનો માલ ભેગો થયો હોવાથી આવક વધુ દેખાય છે. એ સિવાય વરસાદી આગાહીને લીધે અત્યાર સુધી યાર્ડમાં મગફળી કપાસની આવકને બ્રેક લાગી હતી પણ હવે વાતાવરણ ચોખ્ખું થતાં ખેડૂતો આ બન્ને જણસી યાર્ડમાં લાવવા માંડયા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ એસોસીએશનનાં પ્રમુખ અતુલ કમાણીએ ‘ગુજરાત મિરર’ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, પીલાણ મગફળીનો ભાવ રૂા.1150-1250 બોલાય છે. આજે મગફળીનાં બોલાયેલા રૂા.1421એ દાણાખર મગફળીનો ભાવ હોવાનું જણાવ્યું હતું.ં