રમણ વોરાએ ભાજપના જ મહિલા અગ્રણીને ગાળો ભાંડી
- ભીખાજી ઠાકોરના સમર્થનમાં રજૂઆત કરવા જતા પિત્તો ગુમાવ્યો
ઉમેદવારોના નામો જાહેર કરાયાં બાદ ભાજપમાં અસંતોષ શમતો જ નથી. હજુય સાબરકાંઠા, વડોદરા, વિજાપુર, ભરૂૂચ અને સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકરોની નારાજગી યથાવત રહી છે. સાબરકાંઠામાં તો ભીખાજી ઠાકોરના સમર્થકોએ રજૂઆત કરતાં ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ આદિવાસી મહિલાને જાહેરમાં ગાળો ભાંડી હતી જેથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતાં. એક તબક્કે બે જૂથો સામસામે આવ્યા હતાં.
જીલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતીના મહિલા ચેરમેનને અપશબ્દ બોલી જાહેરમાં અપમાનિત કરાયા હતાં પરિણામે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. આ ઘટનાને પગલે ભાજપની શિસ્તના લીરેલીરા ઉડ્યા છે. આદિવાસી મહિલા સાથે રમણ વોરાના વાણી વર્તનને લઈને કમલમ સુધી ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રમણ વોરાને જાહેરમાં માફી માંગવા માંગ ઉઠી છે. લોકસભાની ચૂંટણી વખતે સાબરકાંઠામાં ભાજપમાં વિખવાદ વધુ વકરે તેવી પરિસ્થિતીનુ નિર્માણ થયુ છે.