આમીર ખાનના paani પ્રોજેક્ટમાં રાજકોટની દીકરીનું પાણીદાર યોગદાન
પાની ફાઉન્ડેશન અને સત્યમેવ જયતે ટેલિવિઝન શોમાં રાજકોટના લિપિ મહેતાનું યોગદાન રાજકોટવાસીઓને આપે છે પ્રેરણા અને ગૌરવ
પાની ફાઉન્ડેશનના ફાઉન્ડર આમીર ખાન એનજીઓની દરેક પ્રવૃત્તિમાં રસ લે છે,મીટિંગ અટેન્ડ કરે છે અને અંગત રસ લઈ માર્ગદર્શન પણ કરે છે: લિપિ મહેતા
2012ની સાલમાં ટેલિવિઝન પર આવતો લોકપ્રિય શો સત્યમેવ જયતે દરેકને યાદ હશે. તેમાં જુદા જુદા સામાજિક મુદ્દાઓને લઈને મુલાકાતો પ્રસારિત કરવામાં આવતી હતી.સામાજિક સમસ્યાઓને ઉજાગર કરવાના હેતુથી શરૂૂ થયેલ આ શો લોકપ્રિય તો થયો જ પરંતુ તે એટલો બધો અસરકારક રહ્યો કે સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી.અમુક કાયદાઓ પસાર થયા તેમજ આ સમસ્યા દૂર કરવા માટેના પ્રયત્નો પણ થયા. આ શોની ત્રણેક સિઝન પૂરી થઈ ત્યારબાદ આમીર ખાન અને ટીમ દ્વારા સામાજિક જાગૃતિ માટે પાણીને લઈને એક પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવ્યો જે હાલ મહારાષ્ટ્રમાં ખુબ સુંદર રીતે કામગીરી કરે છે. સત્યમેવ જયતે ટેલિવિઝન શો અને મહારાષ્ટ્રના ગામડાની શકલ બદલાવનાર પાની ફાઉન્ડેશનની વાત કરવાનું કારણ એ છે કે આ બંનેમાં રાજકોટની દીકરીનું પણ મહત્ત્વનું યોગદાન છે. રાજકોટવાસીઓને ગૌરવ થાય તેવી કામગીરી સંભાળતી આ દીકરી એટલે લિપિ મહેતા. રાજકોટના જાણીતા જૈન અગ્રણી અને ઉદ્યોગપતિ દિપકભાઈ મહેતા અને ભારતીબેન મહેતાની આ દીકરી હાલ મુંબઈમાં રહીને મહારાષ્ટ્રના ગામોમાં ખેડૂતો માટે, પાણી માટે, પર્યાવરણ માટે કામ કરતા પાની ફાઉન્ડેશન સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે અને પોતાના સ્વપ્નાઓને પણ પાંખો આપી રહી છે.
રાજકોટમાં જન્મ, એસએનકે સ્કૂલ તથા રાજકુમાર કોલેજમાં અભ્યાસ બાદ આઠમા ધોરણથી કોઈમ્બતુરમાં અભ્યાસ કર્યો. પૂના સિમ્બાયોસીસમાં મીડિયા અને કોમ્યુનિકેશનની ડીગ્રી મેળવી 21 વર્ષની ઉંમરે સૌપ્રથમ આમીર ખાનના શો સાથે જોડાયા ત્યારથી પ્રોફેશનલ જર્ની શરૂૂ થઈ. ઘણી વખત ભગવાન કોઈ સારા કામ સાથે વ્યક્તિને જોડવા માગતા હોય ત્યારે કંઈક યોગાનુયોગ ઉભો કરે છે એવું જ લિપિબેન સાથે બન્યું. અભ્યાસ બાદ બોમ્બેમાં પબ્લિશિંગ હાઉસમાં જોબ મળી અને રહેવા માટે ઘરની શોધમાં હતા ત્યારે જ એક વિદ્યાર્થિનીનો સંપર્ક થયો અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.થોડા સમય બાદ ખ્યાલ આવ્યો કે તે રૂૂમ પાર્ટનરના પેરેન્ટ્સ સત્યમેવ જયતેના ડિરેક્ટર હતા.આ શો ના પાંચ મહિના બાદ કોઈ ઓળખાણના આધારે નહીં પણ વેબસાઈટનો એક્સપિરિયન્સ,બુક્સ પબ્લિશિંગ તેમજ તેનું નોલેજ જોઈને સત્યમેવ જયતેમાં જોડાવાનું થયું. પોતાના કામ અને કાબિલિયતના આધારે લિપિ મહેતા એ સત્યમેવ જયતેની સીઝન બે અને ત્રણમાં કામ કર્યું. શો પૂર્ણ થતાં ત્રણ વર્ષ દિલ્હીમાં યુથ કી આવાઝમાં કામ કર્યું.
હાલ પાની પ્રોજેક્ટમાં કાર્યરત લિપિબેન આ પ્રોજેક્ટની શરૂૂઆત વિશે જણાવે છે કે સત્યમેવ જયતે ઓન એર હતું ત્યારે સામાજિક લેવલે હાઉસહોલ્ડ લેવલ તેમજ ગવર્મેન્ટ લેવલ પર તેની સ્ટ્રોંગ ઇમ્પેક્ટ પડી હતી. ડોમેસ્ટિક વાયોલન્સ,ડાઉરી, ચાઈલ્ડ એબ્યુઝ સહિત અનેક સમસ્યાઓ લોકોની સામે આવી તથા તેના કારણે બદલાવ પણ જોવા મળ્યો હતો. જ્યારે આ શો પૂરો થયો ત્યારે સમગ્ર ટીમને થયું કે જો ટીવી શોની આટલી અસર હોય તો કોઈ એક ઇસ્યુને લઈને ઓન ગ્રાઉન્ડ કામગીરી થાય તો જરૂૂર સુધારો લાવી શકાય. પાણી વગર જીવન શક્ય નથી અને પાણીના મહત્ત્વને જોઈને પાણી પર કામ કરવાનું નક્કી કર્યું. સૌપ્રથમ વોટર ક્ધઝર્વેશન પર કામ કર્યું ત્યારબાદ ખેડૂતોના જીવન ધોરણ પર કામ કર્યું.સત્યમેવ જયતે શોની જ ટીમ હતી તેથી 2018માં દિલ્હીની જોબ છોડીને આ ફાઉન્ડેશનમાં જોડાવાનું થયું.
પોતાના અનુભવ બાબત લિપિ મહેતા જણાવે છે કે ક્યારેય એનજીઓમાં કામ કર્યું નહોતું પરંતુ કંઈક નવું કરવા અને લોકોને મદદરૂૂપ થવાના વિચાર સાથે આ ફાઉન્ડેશન સાથે જોડાઈ. સાડા છ વર્ષથી ઓન લાઈન આઉટ રીચ, ફંડ રેઇઝિંગ વગેરે કામગીરી સંભાળુ છું.સામાન્ય એનજીઓ કરતા આ એનજીઓની કામગીરી અલગ છે અમે ગામમાં ખેડૂતો અને લોકોને ટ્રેનિંગ આપીને સક્ષમ બનાવીએ છીએ, કામ બાબત માહિતી આપીએ છીએ સપોર્ટ કરીએ છીએ અને લોકો ઇન્વોલ્વ થાય તે માટે જુદી જુદી સ્પર્ધાઓ, સેમિનાર વગેરે કરીએ છીએ. સંસ્થા સાથે રિલાયન્સ,ટાટા,અઝીમ પ્રેમજી, બજાજ ઓટો સહિતની કંપની જોડાઈ છે.
જ્યારે કોઈ સેલિબ્રિટી એનજીઓ શરૂૂ કરે ત્યારે ફક્ત નામ માટે કરતા હોય તેવું સામાન્ય લોકોને લાગે પરંતુ આ ફાઉન્ડેશનના સીઈઓ સત્યજીત ભટકલ જે સત્યમેવ જયતેના ડાયરેક્ટર રહી ચૂક્યા છે તે અને ફાઉન્ડર આમીર ખાન એનજીઓની દરેક પ્રવૃત્તિમાં રસ લે છે, મીટિંગ અટેન્ડ કરે છે અને અંગત રસ લઈ માર્ગદર્શન પણ કરે છે. હાલ આ ફાઉન્ડેશનમાં 135ની ટીમ છે અને આવનારા વર્ષોમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આ ફાઉન્ડેશન કાર્યરત બનશે ત્યારે કામગીરી પણ વધશે અને વિસ્તાર પણ વધશે પરંતુ આનંદ એ વાતનો છે કે કામની સાથે સાથે લોકોને મદદરૂૂપ થવાનો આત્મસંતોષ પણ મળે છે. પાની ફાઉન્ડેશન દ્વારા મહારાષ્ટ્રના ગામડાના વિકાસ માટે,ખેડૂતોના જીવન ધોરણ ઊંચા લાવવા અને પર્યાવરણ જાગૃતિમાં રાજકોટની દીકરીનું યોગદાન ગુજરાતીઓને ગૌરવની લાગણીનો અનુભવ કરાવે.
કામ કરતા કરતા મરાઠી ભાષા સમજતા,વાંચતા આવડ્યું
કામ માટે મહારાષ્ટ્રના ગામડા ખૂંદતા લોકો સાથેનો અનુભવ જણાવતા લિપિબેને કહ્યું કે, મહારાષ્ટ્રના ગામમાં જઈએ ત્યારે ત્યાંની મહિલાઓને સ્માર્ટ ફોન, લેપટોપ વાપરતા તેમજ તેમનો આત્મવિશ્વાસ જોઈએ ત્યારે એમ થાય કે આ લોકો જ સાચી જિંદગી જીવે છે. તે લોકોનો પ્રેમ આપણને અલગ જ અનુભવ કરાવે, પ્રેમથી જમાડે ત્યારે એવું લાગે જ નહીં કે એ અને આપણે જુદા છીએ.તેમની સાથે કામ કરતા કરતા મરાઠી ભાષા સમજતા વાંચતા શીખી ગઈ છું અને મરાઠી સંસ્કૃતિ પણ ગમવા લાગી છે.
ખેડૂતો અને ગામડાને ખુશહાલ બનાવે છે પાની પ્રોજેક્ટ
પાની પ્રોજેક્ટ મહારાષ્ટ્રના ગામડા અને ખેડૂતો માટે કામ કરે છે. મહારાષ્ટ્રમાં 6,000 ગામોમાં કામ કર્યું છે ખેડૂતો અને લોકોને ટ્રેનિંગ આપીને તેને સક્ષમ બનાવવાનું કામ પાની પ્રોજેક્ટ કરે છે.ગામડાઓને દુકાળની પરિસ્થિતિમાંથી બહાર લાવવા, પાણીના તળ ઊંચા લાવવા,વૈજ્ઞાનિક ખેતી,મહિલા ખેડૂતોને પ્રોત્સાહન વગેરે કામગીરી થાય છે.આ માટે સ્પર્ધા તેમજ સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાય છે. 2019ની સાલમાં સાડા ચાર હજાર ગામોએ પાર્ટિસિપેટ કર્યું હતું.76 તાલુકામાંથી ખેડૂતોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનો ફાયદો એ થયો કે ખેડૂતોને ઓછા પાણી, ઓછા કેમિકલ વાપરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે કરી શકાય તે શીખવા મળ્યું.સ્પર્ધા દ્વારા ખેડૂતોને નવું શીખવા,જાણવા મળે છે. દર વર્ષે દસ હજારથી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવે છે તેમજ અનેક મહાનુભાવોને પણ આમંત્રિત કરવામાં આવે છે.
Written By: Bhavna Doshi