રાજકોટ-વડોદરાનો ઉભરતા વિકસિત શહેરોમાં સમાવેશ
ભારતમાં મેટ્રો કરતા નાના મહાનગરોમાં વિકાસ-રોજગારીની વધુ તક: ‘સિટીઝ ઓફ સાઇઝ’નો રિપોર્ટ
ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે, અને આવી સ્થિતિમાં દેશની અંદર રોજગારની તકો ખૂબ જ મર્યાદિત જોવા મળી રહી છે. જ્યાં પહેલા લોકોને રોજગાર માટે મોટા શહેરોમાં જવું પડતું હતું. હવે LinkedInના નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતમાં મેટ્રોપોલિટન શહેરો કરતા પણ વધારે રોજગારની તકો બિન-મહાનગર શહેરોમાં ઝડપથી વધી રહી છે. આવા શહેરોમાં ગુજરાતની રાજકોટ-વડોદરાનો પણ સમાવેશ થાય છે.
ગઈકાલે જાહેર થયેલા પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ લિંક્ડઇનના સિટીઝ ઓન ધ રાઇઝ રિપોર્ટ અનુસાર, વિશાખાપટ્ટનમ, રાંચી, વિજયવાડા, નાસિક અને રાયપુર જેવા ટાયર-2 અને ટાયર-3 શહેરો ઝડપથી પ્રોફેશનલ હબ તરીકે ઉભરી રહ્યા છે, જ્યાં લોકો માટે નવી કારકિર્દીની તકો ઉભી થઈ રહી છે.
આ રિપોર્ટમાં રાજકોટ, આગ્રા, મદુરાઈ, વડોદરા અને જોધપુર જેવા શહેરોને ઉભરતા ડેવલપમેન્ટ સેન્ટર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ શહેરો એવા કાર્યકારી વ્યાવસાયિકો માટે હવે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે જેઓ નવા ઉદ્યોગોમાં પોતાનો હાથ અજમાવવા માંગે છે અને પોતાની કારકિર્દીને સ્થાનિક સ્તર પર વિકસાવવા માંગે છે અથવા ટ્રાન્સફર શોધી રહ્યા છે.
આ રિપોર્ટમાં આ ઉભરતા શહેરોની સફળતાનો શ્રેય કેન્દ્ર અને રાજ્ય સરકારોની સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓને આપવામાં આવ્યો છે. ટાયર-2 અને ટાયર-3 શહેરો હવે ભારતના આર્થિક પરિવર્તનના કેન્દ્રો બની ગયા છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)માં રોકાણ, સ્થાનિક MSME ક્ષેત્રની તેજી અને સરકારનું વિકસિત ભારતનું વિઝન નાના શહેરોને કારકિર્દી કેન્દ્રોમાં બદલી રહ્યું છે.
ટેકનોલોજી-ફાર્માની ભૂમિકા
આ રિપોર્ટમાં ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને નાણાકીય કંપનીઓનો ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં વધતો પ્રભાવ પર જોર આપવામાં આવ્યું છે. ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)ના આ યુગમાં ટેક કંપનીઓ આ શહેરોમાં તેમના એકમો સ્થાપી રહી છે, જેનાથી સ્થાનિક પ્રતિભાની માંગ વધી રહી છે. વિશાખાપટ્ટનમ અને વડોદરામાં આરોગ્યસંભાળ અને ફાર્મા કંપનીઓ નવી તકો ઊભી કરી રહી છે, જ્યારે રાયપુર, આગ્રા અને જોધપુરમાં મોટી બેન્કો નાણાકીય સેવા ક્ષેત્રનો વિસ્તાર કરી રહી છે. વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને મદુરાઈમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી વધુ નોકરીઓ જોવા મળી રહી છે.