રાજકોટમાં દસ વર્ષની સરખામણીએ હજુ પણ 50 ટકા વરસાદ ઓછો પડ્યો
જિલ્લામાં માત્ર 55 ટકા આકાશી પાણી વરસ્યું
રાજ્યભરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જ્યાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ વરસાદ 75%થી વધુ નોંધાયો છે, ત્યાં રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ પણ મેઘમહેરની પ્રતીક્ષા થઈ રહી છે. આ વર્ષે સરેરાશ દસ વર્ષની સરખામણીએ રાજકોટ જિલ્લામાં માત્ર 55% જેટલો જ વરસાદ નોંધાયો છે, જે અન્ય વર્ષોની સરખામણીએ 50%થી પણ ઓછો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં સરેરાશ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદથી જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની આવક થઈ છે, અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ, ભાદર ડેમ પણ 75% જેટલો ભરાઈ ચૂક્યો છે. બાકીના મોટાભાગના ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે.
છેલ્લા દસ વર્ષની સરેરાશ 878 MM વરસાદની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધી માત્ર 465 MM વરસાદ જ નોંધાયો છે. ગત વર્ષે આ સમયે રાજકોટ જિલ્લામાં 1176 MM વરસાદ નોંધાયો હતો, જે દર્શાવે છે કે આ વર્ષે વરસાદની ઘટ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.