રાજકોટમાં દોઢ કલાકમાં વધુ 1॥ ઈંચ વરસાદ
ઈસ્ટઝોનમાં સૌથી વધુ વરસાદ, મોસમનો કુલ વરસાદ 9॥ ઈંચને પાર
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કટકે કટકે ધોધમાર વરસાદ પડી રહેલ છે. સોમવારે ધુવાધાર ચાર ઈંચ વરસાદ પડી ગયા બાદ ગઈકાલે સાંજના સમયે તેમજ રાત્રીના ધીમીધારે દોઢ ઈંચથી વધુ પાણી વરસી જતાં મોસમનો કુલ વરસાદ 9॥ ઈંચને પાર થયો છે. સાંજના સમયે વરસાદ પડતા ઓફિસેથી તેમજ ધંધા પરથી ઘરે જતાં લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે ફરી વખથ 150 ફૂટ રીંગ રોડ ઉપરના મોટાભાગનાસર્કલો પર ગોઠણડુબ પાણી ભરાયા હતાં. જ્યારે શહેરને પીવાનું પાણી પુરુ પાડતા ભાદર-1માં 1.25 ફૂટ તથા આજી-1માં 0.25 ફૂટ નવા નીરની આવક થઈ છે.
શહેરમાં ગઈકાલે છ વાગ્યા બાદ શરૂ થયેલ ધોધમાર વરસાદ ફક્ત 10 મીનીટ વરસ્યો હતો ત્યાર બાદ રાત્રી દરમિયાન ઝાપટા સ્વરૂપે તેમજ ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ રહેતા સેન્ટ્રલઝોનમાં 38 મીમી, વેસ્ટઝોનમાં 20 મીમી અને ઈસ્ટઝોનમાં સૌથી વધુ 35 મીમી પાણી વરસી ગયું હતું. ગઈકાલના વરસાદના પગલે સેન્ટ્રલઝોનનો કુલ વરસાદ 244 મીમી તથા વેસ્ટઝોનનો કુલ વરસાદ 265 મીમી અને ઈસ્ટઝોનનો કુલ વરસાદ 192 મીમી ફાયર વિભાગના ચોપડે નોંધાયો છે. જેથી શહેરનો સરેરાશ આજ સુધીનો વરસાદ 9॥ ઈંચ પર પહોંચ્યો છે. ગઈકાલે સમીસાંજે વરસાદ શરૂ થતાં ફરી વખત મુખ્યમાર્ગો ઉપર પાણી ભરાવાની ઘટનાઓ આમ જોવા મળી હતી. તેમજ ગઈકાલના વરસાદના પગલે શહેરને પીવાનું પાણી પુરુ પાડતા જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ હોવાનું જાણવા મળેલ છે.
દિવાનપરામાં ભુવો પડ્યો
ગઈકાલે દોઢ ઈંચ વરસાદ વરસી જતાં દિવાનપરામાં મોટો ભુવો પડ્યાની અફવા ઉડતા મહાનગર પાલિકાના બાંધકામ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં દિવાનપરા શેરી નં. 18 પાસેથી પસાર થતાં વોકળાની સાઈડમાં માટી ધોવાઈને બેસી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. છતાં સોસાયટીના માર્ગ ઉપર ફોર વ્હીલ સમાયજાય તેવડો ભુવો પડતા બાંધકામ વિભાગે તાત્કાલીક ધોરણે મરમતનીકામગીરી હાથ ધરી હતી.