વાવાઝોડામાં રાજકોટ રમણ... ભમણ, સ્માર્ટ સિટીની પોલ ખૂલી
અડધા રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ પડતાં જ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, કાદવ-કીચડમાં વાહનો ફસાયા
અડધા રાજકોટમાં આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વૃક્ષો-હોર્ડીંગ ધરાશાયી, છાપરાં-સમિયાણા ઉડ્યા
રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજે ફૂંકાયેલ ત્રીસેક મિનિટમાં વાવાઝોડાએ અને સ્માર્ટ સિટીની પોલ ખોલી નાખી હતી. અને શહેરને રમણ...ભમણ કરી નાખ્યું હતું. અડધા રાજકોટમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ વરસાદ ત્રાટકતા રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી હતી. તો અડધા રાજકોટમાં ધૂળની ડમરીઓ સાથે તોફાની પવને રીતસર આતંક મચાવ્યો હતો. માત્ર અડધો કલાક ચાલેલા આ તોફાનના કારણે શહેરમાં પ3 વૃક્ષો અને બે મોટા હોડિંગ તુટી પડ્યા તેમજ અનેક સ્થળે છાપરા-સમિયાણા પણ ઉડી જતા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.
આ ઉપરાંત જે વિસ્તારોમાં વરસાદ પડ્યો ત્યા રસ્તાઓ ઉપર પાણીની નદીઓ વહેવા લાગી હતી તેમજ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓમાં વાહનો ફસાઇ જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ખાસ કરીને ભારે વાહનોના ટ્રાફિકવાળા અને એકદમ સાંકડા નવા રિંગરોડ ઉપર અડધો રસ્તો કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ બુરીને અધકચરૂ માટીનું પુરાણ કરી દીધું હોવાથી કીચડમાં વાહનો ફસાઇ ગયા હતા અને લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો.