પોતાના જીવના જોખમે અનેક જિંદગી ઉગારતી રાજકોટ પોલીસ
ખુદ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કયું નિરીક્ષણ: ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નું સૂત્ર સાર્થક કર્યું
રાજકોટ સહિત રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે તંત્ર દ્વારા બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ દિવસમાં 300થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.જ્યારે હજારોની સંખ્યામાં નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.એટલું જ નહીં ઘણા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાની ઘટના પણ સામે આવી છે. ત્યારે લોકોને બચાવી અને રેસ્ક્યુની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પોલીસે જંગલેશ્વર, રૂૂખડીયાપરા,લલુડી વોકડી અને ભગવતીપરામાં નીચાણ વાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી લોકોના જીવ બચાવી લીધા હતા. અને અનેક લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં રૂૂખડીયાપરા વિસ્તારમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં ફસાયેલા બે લોકોનું પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ,એએસઆઈ સી.એમ.ચાવડા સહિતના સ્ટાફે રેસ્ક્યુ કર્યું હતું.
તેમજ અબોલ પશુને પણ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ભગવતીપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરાવ્યું હતું.આ ઉપરાંત જંગલેશ્વર વિસ્તારમાં આવેલી એકતા કોલોનીમાં ભક્તિનગર પોલીસ મથકની ટીમે ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા ઘણા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે આશ્રય અપાવ્યો હતો.વરસતા વરસાદ વચ્ચે પોતાના પરિવાર અને પોતાના જીવની ચિંતા કર્યા વિના ફરજ બજાવતા પોલીસ જવાનોની કામગીરીને લોકોએ બિરદાવી હતી.આ દરમ્યાન માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ મિતુલભાઈ પાલરીયા બનાવની ગંભીરતા સમજી આ માજીને હાથે ઊંચકી તાત્કાલિક સરકારી ગાડીમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યારે થોરાડા પોલીસના પીઆઇ એન.જી.વાઘેલા અને ટીમે એક સગર્ભા સહિત અનેક લોકોનું સ્થળાંતર કર્યું હતું.આ તકે ખુદ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા,જેસીપી મહેન્દ્ર બગડીયા,ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી જગદીશ બંગારવા,ડીસીપી સજ્જનસિંહ પરમાર,ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા હતા અને અનેક અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.આ સાથે રાજકોટ શહેર પોલીસે સેવા,સુરક્ષા અને શાંતિનું સૂત્ર સાર્થક કર્યું હતું.
રૂખડિયાપરા, ભગવતીપરા, લલુડી વોંકળી, જંગલેશ્ર્વર, આજી વસાહત અને રામનાથપરા વિસ્તારમાંથી 300થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું