રાજકોટ પોલીસે પકડેલા રૂા.1.65 લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરાયો
છેલ્લા એક વર્ષ દરમિયાન ઝોન-1, ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચે કબજે કરેલ 43323 બોટલ બિયર અને દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવાયું
રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન કડાયેલા દારૂ બિયરના જથ્થાનો નાકરવાડી પાસે આવેલા ખરાબામાં નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પોલીસના અધિકારીઓની હાજરીમાં રૂા.1.65 લાખના દારૂબીયરના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
પોલીસે પકડેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નિકાલ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હોય જે સમિતિના અધ્યક્ષ સભ્યો તથા સચિવ દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
જેમાં ઝોન-1 હેઠળ આવતાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 64 કેસ કરવામાં આવ્યા હોય જેમાં રૂા.67.06 લાખની કિંમતની 16291 નંગ દારૂ અને બિયરની બોટલો, જ્યારે ઝોન-2 વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા કુલ 79 કેસમાં કબજે કરવામાં આવેલ 54 લાખની કિંમતના 10877 નંગ બિયરના ટીન અને દારૂ તેમજ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલા કુલ 24 કેસમાં કબજે કરવામાં આવેલ 44 લાખની કિંમતની 16155 દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ 167 કેસમાં કુલ 43,323 દારૂ બિયરની બોટલો જેની કિંમત 1.65 લાખ થાય છે તેનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને સાત હનુમાન પાસે સોખડા નજીક નાકરાવાડીના સરકારી ખરાબામાં આ દારૂ બિયરના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.