રાજકોટ માર્કેટિંગ યાર્ડનું રૂા.36 કરોડનું બજેટ મંજૂર
- રૂા.7 થી 8 કરોડના ખર્ચે રોડ-રસ્તા, 2 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નખાશે: જૂના યાર્ડમાં ખાતર બનાવવાના પ્લાન્ટની વિચારણા
રાજકોટના માર્કેટીંગ યાર્ડની આજે ચેરમેન જયેશ બોઘરાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં રૂા.36 કરોડના બજેટને મંજુરી આપવામાં આવી છે. તેમજ વેપારીઓ અને ખેડુતોને સુવિધા મળી રહે તે માટે યાર્ડમાં નવા રોડ-રસ્તા અને પાણી- ગટરની પાઇપલાઇન તેમજ જુના યાર્ડમાં ખાતર બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
આ અંગે યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે આજે યાર્ડનું રૂા.36 કરોડનું બજેટ રજુ થતા તેને મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં યાર્ડમાં રૂા.34.92 કરોડની આવક અને રૂા.31.25 કરોડ ખર્ચો થવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. યાર્ડના વિકાસ કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી. યાર્ડમાં દુકાનના લાયસન્સ, ભાડુ, વેંચાણ, માર્કેટ, તોલમાપ, ગેટ એન્ટ્રી સહીતની પરચુરણ કામગીરીથી આવક અંદાજવામાં આવી છે.
ઉપરાંત રૂા.31.25 કરોડનો વર્ષમાં ખર્ચ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જેમાં યાર્ડમાં ફરજ બજાવત કર્મચારીઓ પાછળ વર્ષમાં 12-13 કરોડનો પગાર ચુકવવામાં આવશે. યાર્ડમાં દર મહીને રૂા.6 થી 7 લાખનું લાઇટબીલ ચુકવાશે. સાફ સફાઇ પાછળ રૂા.30થી 35 લાખનો ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત સિકયુરીટી, પાણી સહીતની પરચુરણ કામગીરીમાં વર્ષે કરોડોનો ખર્ચ થશે.
વધુ સેક્રેટરીએ કહ્યું હતું કે દર વર્ષે ઘણા પ્રકારનો વેસ્ટમાલ નિકળતો હોય છે ત્યારે તે વેસ્ટ માલનો ઉપયોગ પરત ખેડુતો કરી શકે તે માટે જુના યાર્ડ ખાતે રૂા.1.50 કરોડના ખર્ચે ખાતર બનાવવાનો પ્લાન્ટ સ્થાપવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ યાર્ડમાં રૂા.2 કરોડના ખર્ચે રોડ-રસ્તા બનાવવામાં આવશે. ઉપરાંત રૂા.7 થી 8 કરોડના ખર્ચે ગટર અને પાણીની પાઇપ લાઇન નાખવામાં આવશે.
માવઠાની આગાહીથી જીરૂની આવક બંધ
જીરાની આવક સંપૂણ પણે બંધ કરવામાં આવેલ છે. સુકામરચાની આવક આવતીકાલ સવારે રજીસ્ટ્રેશન કરેલ ટોકન મુજબ, કપાસ તથા મગફળીની આવક આજ સાંજના 5:00 વાગ્યા થી સવારના 8:00 વાગ્યા સુધી, ઘઉં,તુવેર,ધાણા તથા ચણાની આવક વાતાવરણને વ્યવસ્થાને ધ્યાને લઈ આવતીકાલ સવારેના 5:00 વાગ્યાથી સવારના 9:00 વાગ્યા સુધી આવવા દેવામા આવશે. અન્ય પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસીની આવક વાતાવરણને ધ્યાને લઈ દાગીનામાં આવક 24-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. છુટા પાલની આવક આવવા દેવામાં આવશે નહી તેમજ પ્લેટફોમ નીચે પાલ કરવા દેવામાં આવશે નહી.