રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો
નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સરકારી નિવાસ સ્થાને આજે સવારે જન સુનાવણી દરમિયાન રાજકોટના પશુ પ્રેમી રાજેશ ખીમજી સાકરીયા નામના શખ્સે હિચકારો હુમલો કરતા સનસનાટી મચી જવા પામી છે . ઝનુની બનેલા રાજકોટના શખ્સે મુખ્યમંત્રી પાસે રજુઆતના બહાને પહોંચી તેના ઉપર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને ધકકો મારી દિવાલ તરફ ધકેલી દીધા બાદ તેના વાળ પકડી સતત 80 સેક્ધડ સુધી ફડાકા મારતા સીએમ બંગલામા ભારે નાસભાગ મચી ગઇ હતી. સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરના હાથ ઉપર પ્રહારો કરી માંડ માંડ મુખ્યમંત્રીને છોડાવ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે આજે સવારે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસ સ્થાને લોક સુનાવણી કરી રહયા હતા ત્યારે રાજકોટનાં રાજેશ ખીમજીભાઇ સાકરીયાએ મુખ્યમંત્રીને થપ્પડ મારી વાળ ખેંચ્યા હતા. તેમણે લગભગ 1.20 મિનીટ એટલે કે 80 સેક્ધડ સુધી તેના વાળ ખેંચીને ફડાકા માર્યા હતા.
તેમણે મુખ્યમંત્રને જોરદાર ધકકો પણ માર્યો હતો પરંતુ પાછળ દિવાલ હોવાથી મુખ્યમંત્રી નીચે ન પડતા દિવાલના ટેકે ફસડાઇ પડયા હતા.
80 સેક્ધડનાં હુમલા દરમ્યાન હાજર રહેલા સુરક્ષા કર્મીઓએ મુખ્યમંત્રીને છોડાવવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા પરંતુ મહા મુસીબતે રાજેશ ખીમજી સાકરીયાનાં ચુંગાલમાથી મુખ્યમંત્રીને છોડાવ્યા હતા. સ્થળ પરથી આરોપી રાજેશ ખીમજી સાકરીયાની અટકાયત કરીને તેમને દિલ્હીનાં સિવીલ લાઇન પોલીસ સ્ટેશનમા લઇ જવામા આવ્યો હતો. જયા તેની પર મુખ્યમંત્રીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામા આવ્યો હતો.
પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના હાથ, ખભા અને માથા પર ઈજાઓ થઈ છે. પોલીસ કેસ હોવાથી એમએલસીની તપાસ કરવામાં આવી રહી છે. પત્રકારો સાથે વાત કરતા પ્રવેશ વર્માએ એમ પણ જણાવ્યું હતું કે આરોપી રેકીમાં રોકાયેલો હતો. તેમણે કહ્યું, પોલીસ તેનું કાવતરું શું હતું તેની તપાસ કરી રહી છે. જાણવા મળ્યું છે કે તે 24 કલાક રેકી કરી રહ્યો હતો. તે શાલીમાર સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો અને વધુ રેકી કરી હતી. સિવિલ લાઇન્સ વિસ્તારમાં રાત વિતાવી. તેણે મુખ્યમંત્રીને મળતાની સાથે જ હુમલો કર્યો.
પ્રવેશ વર્માએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી પર હુમલો કર્યા પછી, તે થોડા સમય માટે તેમને છોડ્યા ન હતા. તેમણે મુખ્યમંત્રીના વાળ પકડી લીધા હતા. પોલીસ અને અન્ય લોકોએ તેમને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા. કોઈક રીતે મુખ્યમંત્રીને બચાવી લેવામાં આવ્યા. શું હુમલો કરનાર કૂતરા પ્રેમી હતો? આ પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે પોલીસ તપાસ હજુ ચાલુ છે, અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી.
આરોપીને માફ કરી દેવા માતાની મુખ્યમંત્રીને આજીજી
આરોપી રાજેશ સાકરીયાના માતાએ હાથ જોડીને નિવેદન કરતા જણાવ્યુ છે કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેના દિકરાને માફ કરી દયે. તેમણે જણાવ્યુ હતુ કે મારો છોકરો મહાદેવનો ભકત છે. દર મહીને ઉજજૈન જાય છે. પરંતુ ઉજજૈનનુ કહીને દિલ્હી કયારે ગયો તેની ખબર નથી. દિલ્હીનો વિડીયો જોઇને આજે મે જમ્યુ પણ નથી. મારા છોકરાએ કુતરાઓ પ્રત્યેના પ્રેમમા આવુ કરી દીધુ છે. મુખ્યમંત્રીને મારી અપીલ છે કે અમે ગરીબ લોકો છીએ અને મારા છોકરાને માફ કરી દયે.
હુમલાખોરે આગલા દિવસે રેકી કરી હતી, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હિંસક હુમલો કરનાર રાજકોટના રાજેશ સાકરીયા નામનો શખ્સ હુમલાના ઇરાદે જ આવ્યો હોવાનુ અને આગલા દિવસે તેણે સીએમ બંગલાની રેકી કરી હોવાનુ દિલ્હી પોલીસે જાહેર કર્યુ છે. પોલીસે ઘટનાને ખૂબજ ગંભીર ગણી છે અને મુખ્યમંત્રી ઉપર ઝનુન પૂર્વક હુમલો કરવા બદલ આરોપી રાજેશ સાકરીયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. આરોપીએ આગલા દિવસે સી.એમ. આવાસની રેકી કરી વીડિયો ઉતાર્યાના સીસીટીવી ફૂટેજ પોલીસે જાહેર કર્યા છે.