રાજકોટ જિલ્લા તંત્ર બન્યું તારણહાર; વરસાદમાં ફસાયેલા 309નું રેસ્કયુ
જસદણમાં 151, ધોરાજીમાં 54, ઉપલેટામાં 79, જામકંડોરાણામાં 25 લોકોને સલામત સ્થળે ખસેડાયા
સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારનું જન-જીવન ખોરવાઈ ગયું છે, તથા તેઓને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. આ તકે, જસદણ તાલુકાના ડેમ ઓવરફ્લો થતાં જસદણ નગરપાલિકા દ્વારા કુલ 151 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં 59 બાળકો 44 મહિલાઓ અને 48 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જસદણ નગરપાલિકાની જુના માર્કેટિંગ યાર્ડ ખાતે કુલ 127 નાગરિકોનું સ્થળાંતર કરાયું જેમાં 47 બાળકો 38 મહિલાઓ અને 42 પુરુષોનો સમાવેશ થયો છે. જ્યારે તાલુકા ક્ધયા પ્રાથમિક શાળામાં 18 નાગરિકોનું તથા આંબેડકર હોલ ખાતે 6 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે.
ભારે વરસાદને કારણે જસદણ તાલુકાના ભંડારીયા ગ્રામ પંચાયત દ્વારા ગામના સ્મશાનની બાજુમાં આવેલા ચેકડેમ ઓવરફ્લો થતાં ભંડારીયા ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા ખેતરથી પરત થતા ખેડૂતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
તા. 28 ઓગસ્ટના રોજ સવારે 11.30 કલાકની સ્થિતિ સુધીમાં ધોરાજી શહેરના 2 બાળકો, 1 મહિલા અને 3 પુરુષો મળી કુલ 6 નાગરિકોને તાલુકા શાળા નંબર 3 અને 6 બાળકો, 7 મહિલાઓ અને 12 પુરુષો મળીને કુલ 25 નાગરિકોને સગા-સંબંધીના ઘરે સ્થળાંતર કરાયા હતા. તેમજ ધોરાજી તાલુકાના ભોળા ગામના 2 મહિલાઓ અને 4 પુરુષો મળી કુલ 6 નાગરિકો, છાડવાવદર ગામના 2 બાળકો, 3 મહિલાઓ અને 4 પુરુષો મળી કુલ 9 નાગરિકો તથા ભોલગામડા ગામના 3 મહિલાઓ અને 5 પુરુષો મળી કુલ 8 નાગરિકોને સગા-સંબંધીના ઘરે મોકલાયા હતા. આમ, કુલ 54 લોકોને ભારે વરસાદના કારણે સ્થળાંતરિત કરાયા હતા.આ ઉપરાંત ઉપલેટા શહેરમાં વાડલા રોડ પર મોજ નદી કાંઠા વિસ્તારના કુલ 25 નાગરિકોને શિશુમંદિર ખાતે સ્થળાંતર કરાયા હતા.
તેમજ ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના કુલ 10 નાગરિકોને આર. કે. ભાયાણી હાઇસ્કુલ ખાતે, ગણોદ ગામના કુલ 20 નાગરિકોને સરકારી પ્રાથમિક શાળા ખાતે અને લાઠ ગામના કુલ 24 નાગરિકોને રાજપૂત સમાજની વાડી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ, કુલ 79 લોકોને ભારે વરસાદના કારણે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી.
જામકંડોરણા-ગોંડલ હાઇવે પર ફોફડ નદીના પુલ સામે આવેલા ખેતર પાસેથી 2 બાળકો, 1 મહિલા અને 1 પુરુષ મળી કુલ 4 નાગરિકોને ખેતરમાલિકના ઘરે સ્થળાંતર કરાયા હતા. તેમજ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામના 2 બાળકો, 1 મહિલા અને 1 પુરુષ મળી કુલ 4 નાગરિકોને સગા-સંબંધીના ઘરે, મોટા દૂધીવદર ગામના 1 મહિલા અને 1 પુરુષ મળી કુલ 2 નાગરિકોને ખેતરમાલિકના ઘરે અને જુના માત્રાવડ ગામના 7 બાળકો, 4 મહિલાઓ અને 4 પુરુષો મળી કુલ 4 નાગરિકોને નવા માત્રાવડ પ્રાથમિક શાળા ખાતે ખસેડાયા હતા. આમ, ભારે વરસાદના લીધે કુલ 25 લોકોને સલામતસ્થળે આશરો અપાયો હતો, તેમ ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જયેશભાઈ લીખીયાની યાદીમાં જણાવાયું છે.