રાજકોટ જિલ્લા બેંકનો નફો 87 કરોડ, 15 ટકા ડિવિડન્ડની જાહેરાત
મુખ્યમંત્રીની હાજરીમાં જામકંડોરણા ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા-સમારોહ યોજાયો હતો. આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે. ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા માટે વડાપ્રધાનએ સહકાર મંત્રાલયની સ્થાપના કરેલી છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડા સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ આજનો આ ઉત્સવ કરાવે છે. રાજકોટ જિલ્લાની સપ્ત સહકારી સંસ્થાઓ જનસેવા અને જન કલ્યાણ માટે જે રીતે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે.
રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રગતિની વિગતો સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની 450 જેટલી સહકારી મંડળીઓના આશરે બે લાખ 35 હજાર જેટલા ખેડુતો આ બેન્ક સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ બેન્કના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું, તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ બેન્ક આજે નાના માણસોને 24 કલાક રોકડની સેવા આપી રહી છે. આ બેન્ક નાના માણસો અને નાના ખેડૂતોની મોટી બેન્ક તરીકે ઊભરી આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યો છે. આ સંઘ સાથે જોડાયેલી અડધાથી પણ વઘુ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે. આ રીતે વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશક્તિકરણ તથા વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને રાજકોટ દુધ ઉત્પાદક સંઘ સાર્થક કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉતરોત્તર પ્રગતિ કરતું આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. સહકારી અગ્રણીઓ સ્વ.શ્રી અરવિંદભાઈ મણીયાર, સ્વ. વલ્લભભાઈ તથા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને સ્મૃતિ અંજલી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવામાં આ મહાનુભાવોનું વિશેષ યોગદાન છે.
આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા સહકારી બેન્કની વિશિષ્ટ સિદ્ધિઓ જણાવતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા ખેડૂતોને રૂૂ. 10 લાખનો અકસ્માત વીમો અને ગંભીર માંદગીના કિસ્સામાં રૂૂ. 15 હજારની સહાય આપવામાં આવે છે.
જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સારા-માઠા પ્રસંગોમાં મદદ કરવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેન્ક કાયમી ધોરણે અડીખમ ઊભી રહી છે. અનેક વિશિષ્ટ કામગીરી બાબતે દેશભરની સહકારી બેન્કોને આ બેન્કે નવો રાહ ચિંધ્યો છે. ખેડૂતોએ પણ વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્ક ઉપર વિશ્વાસ મૂક્યો છે. ખેડૂતોના વિશ્વાસને કારણે રાજકોટ જિલ્લાના સહકારી માળખાને દેશભરમાં અગ્રસર બનાવવામાં સફળ રહ્યા છીએ. આ બેન્કમાં ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં વ્યાજ માફી આપવામાં આવે છે. સહકારી માળખું ગ્રામ્ય લોકો, ખેડૂતો અને શ્રમિકો માટે છે, ત્યારે તેઓનું હિત અને કલ્યાણ રાજકોટ જિલ્લા સહકારી બેંકનું લક્ષ્ય છે.
ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધનમાં વર્ષ 2023-થ24 માટે સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમજ તેમણે શેર ભંડોળ, રિઝર્વ ફંડ, થાપણો, ધિરાણો, રોકાણોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન થયેલા વધારાને રજૂ કર્યો હતો. ઉપરાંત, તેમણે કેન્દ્ર સરકારની સહકાર સે સમૃદ્ધિ યોજના અન્વયે ખેડુતોના બેન્કમાં ખાતા ખોલાવવાની કામગીરીને ધ્યાને લઈને બેન્ક લોન મેળવતી દરેક ખેતી વિષયક મંડળીઓના મંત્રીઓને પ્રોત્સાહિત રકમ રૂૂ. 5000 આપવા, ગ્રામ્ય સૌર ઊર્જા યોજના હેઠળ રૂૂ. 3 લાખની મર્યાદામાં લોન આપવા સહિતની જાહેરાતો કરી હતી.
આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્ર માટે નવું તાલીમ ભવન બનાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટ ગોંડલ હાઇવે પર પારડી ખાતે પાંચ હજાર ચોરસ મીટરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવવામાં આવશે.
આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેન્કની 65મી વાર્ષિક સાધારણ સભા શ્રી જયેશભાઈ રાદડિયા, ચેરમેનશ્રી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપ.બેંક લીના અધ્યક્ષસ્થાને મળી હતી. જયેશભાઈ રાદડિયાએ બેન્કનો સને 20232024ના વર્ષનો ચોખ્ખો નફો રૂૂ.87 કરોડ થયાની અને સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં 15 વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખઓને સાફો, ફુલહાર, શાલ, શિલ્ડ અને પુરસ્કાર રૂૂપે રૂૂા.21,000ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
બેંકના ચેરમેને સાધારણ સભામાં લોન્ચ કરેલી સ્કીમો
સભાસદોની શેર મુડી ઉપર 15% ડિવિડન્ટ ચુકવવાની જાહેરાત.
મધ્ય મુદત ખેત જાળવણી લોનમાં રૂા. 3 લાખનો વધારો કરી મહત્તમ રૂા. 15 લાખ સુધીની લોન
સને 2024-25ના વર્ષ માટે બેંક તરફથી મંડળીઓ કે.સી.સી. ધિરાણ ઉપર 1.25% વ્યાજ માર્જીન.
બેંક લોન મેળવતી દરેક ખેતિવિષયક મંડળીઓના મંત્રીને પ્રોત્સાહિત રકમ રૂા. 5000
એજ્યુકેશન લોનમાં રૂા. 10 લાખનો વધારો કરી મહત્તમ 35 લાખ સુધીની લોન
ગ્રામ્ય સૌર ઉર્જા યોજના (હાઉસીંગ સોલાર પેનલ માટે) રૂા. 3 લાખની મર્યાદામાં લોનની જાહેરાત
હાઉસીંગ લોન મર્યાદા વધારો :- જીલ્લા મથક તથા રૂડા વિસ્તારમાં હાલના મહત્તમ વ્યક્તિગત મર્યાદા રૂા. 50 લાખ છે. તેમાં રૂા. 10 લાખનો વધારો કરી રૂા. 60 લાખની મર્યાદા, તાલુકા મથક વિસ્તારમાં હાલના મહત્તમ વ્યક્તિગત મર્યાધા રૂા. 40 લાખ છે. તેમાં રૂા. 5 લાખનો વધારો કરી રૂા. 45 લાખની મર્યાદાની જાહેરાત.
સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ક્યાંય ખીલી પણ હલવાની નથી: રાદડિયાનો હુંકાર
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો.
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી હું સરકારી ક્ષેત્રનું માળખું સંભાળી રહ્યો છું. વર્ષ 2017માં જ્યારે વિઠ્ઠલભાઇનું નિધન થયું ત્યારે સહકારી માળખાનું શું થશે તે જિલ્લાભરના ખેડૂતો અને સભાસદોને પ્રશ્ન હતો, પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે આ સહકારી માળખાને દેશની ઉંચાઇ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતા સાથે કામ કરી રહેલા ડિરેક્ટરોએ પણ મારા પર વિશ્વાસ મુકીને હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય કર્યા છે.
રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજાઇ હતી, જેમાં 85થી 90 ટકા મંડળીઓ બિનહરીફ થઇ હતી જે 10 ટકા મંડળીઓમાં કોઇ કારણોસર ચૂંટણી થઇ તેમાં આપણા જ ટેકેદારો વિજય થયા છે, રાદડિયાએ કહ્યું હતું કે નજીકના દિવસોમાં સાત આઠ મહિનામાં જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિતની સહકારી વિભાગની ચૂંટણી આવશે. ત્યારે હું આગેવાનોને વિશ્વાસ અપાવુ છું કે મોટાભાગની ચૂંટણી બિનહરીફ કરવાનો પ્રયત્ન કરીશ. વિરોધીઓને હુંકાર કરતા કહ્યું હતું કે ક્યાંય ખિલ્લી હલાવાની નથી. જે 10 ટકામાં કંઇ થશે તો આપણા જ લોકો ચૂંટાઇને આવશે. સહકારી માળખામાં ક્યાંય મુશ્કેલી છે જ નહિ અને જો આવશે તો તેને પહોંચી વળીશું. સહકારી માળખામાં હંમેશા રાજકારણથી દુર રહીને ખેડૂતોના વિકાસ માટે આગળ વધશું તેવી જયેશ રાદડિયાએ ખાતરી આપી હતી.