For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેમ ઝોન અગ્નિકાંડની આગમાં શેકાતો રાજકોટનો વિકાસ, કોર્પોરેશનની TP અને ફાયર શાખાનો વહીવટ ઠપ

03:45 PM Oct 11, 2024 IST | admin
ગેમ ઝોન અગ્નિકાંડની આગમાં શેકાતો રાજકોટનો વિકાસ  કોર્પોરેશનની tp અને ફાયર શાખાનો વહીવટ ઠપ

નાના મકાનોથી માંડી હાઇરાઇઝ બિલ્ડિંગોના પ્લાન પાસ કરવા, બી.યુ. પરમિશન અને કમ્પ્લીશન સહિતની કામગીરી મંથર

Advertisement

અનેક અધિકારીઓ જેલમાં જતા કોર્પોરેશનના કર્મચારીઓ- અધિકારીઓના મનોબળ ઉપર વિપરીત અસર, બિલ્ડરોની માઠી દશા

જૂનો સ્ટાફ બદલી નખાયો, નવા સ્ટાફમાં અનુભવ અને કોન્ફિડન્સનો અભાવ, એકસાથે અનેક કામગીરીનું પણ ભારણ

Advertisement

પ્રજાના પ્રતિનિધિઓ સાઇડલાઇન, વાજબી ભલામણો કરવામાં પણ ગાંધીનગરનો ડર, બિલ્ડરોની રજૂઆતોનું પરિણામ શૂન્ય

રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરના રિયલએસ્ટેટ સેક્ટરમાં સુકા પાછળ લીલુ બળે તે કહેવત સાર્થક થઈ રહી છે અને કોર્પોરેશનની ટી.પી. શાખા તથા ફાયર વિભાગના પોણો ડઝન અધિકારીઓ સસ્પેન્ડ થઈ જતાં અને કેટલાક અધિકારીઓએ નોકરી છોડી દેતા શહેરના બાંધકામ ઉદ્યોગ ઉપર તેની વિપરીત અસરો થઈ રહી છે અને અનેક નવા પ્રોજેક્ટ તથા નાના મકાનોના પ્લાન પાસ કરાવવા, બી.યુ. પરમિશન મેળવવા તેમજ કમ્પ્લીશન મેળવવા સહિતની મહત્વની કામગીરી ઠપ જેવી થઈ ગઈ છે.

મહાનગરપાલિકામાં હાલ કર્મચારીઓ-ઈજનેરો-અધિકારીઓમાં ‘ભય’નું વાતાવરણ જોવા મળે છે. કોઈ અધિકારી કે કર્મચારી રૂટીન કામ કરવાનું પણ જોખમ લેવા તૈયાર નથી. જેની સીધી અસર બાંધકામ વ્યવસાય ઉપર પડી છે.

કોર્પોરેશનની ટી.પી. શાખા, ફાયર શાખા, સહિતના મહત્વના વિભાગોમાં ફરજ બજાવવા કોઈ કર્મચારી કે અધિકારી તૈયાર નથી. સ્ટાફનું મનોબળ તુટી ગયું છે ત્યારે મ્યુનિ. કમિશનર ખુદ પહેલ કરી વાતાવરણ સુધારે અને રૂટીન વહીવટ પાટે ચડાવે તે જરૂરી છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ થયેલ સીટની તપાસમાં મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓની જે પ્રકારે ધરપકડ થઈ અને જેલ હવાલે કરવામાં આવ્યાએ પછી મહાપાલિકામાં કર્મચારીઓ-અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. આ તપાસની અસરમાંથી આજે પણ મહાપાલિકાના કર્મચારીઓ બહાર આવ્યા નથી. બાંધકામ વ્યવસાય સાથે સિધી રીતે જોડાયેલા ફાયર અને ટીપી વિભાગની સ્થિતી એવી છે કે અહીં અધિકારીઓ દબાણમાં કામ કરવા તૈયાર નથી જેની અસર સીધી બાંધકામ વ્યવસાય પર પડી છે.

અગ્નિકાંડ બાદ તપાસ સમિતીની રચનાથી અધિકારીઓની બદલીઓ સહીતના સરકારના નિર્ણય જે તે સમયે આવશ્યક અને જરૂૂરી હતા પરંતુ એના પછી સર્જાયલ ઘટનાક્રમ પણ ખુબ કમનશીબ રહ્યો છે. ટીપીઓ સાગઠિયા સહીત અનેક એટીપીની ધરપકડથી કર્મચારીઓ સ્તબ્ધ થયા, ચિફ ફાયર ઓફિસર ખેર, અધિકારી ઠેબાની ધરપકડ બાદ આવેલ અધિકારી મારૂૂ એસીબીમાં લાંચ લેતા ઝડપાઈ જતા આ પદ પર આજે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. રાજકોટના વર્ગ-3ના અધિકારી અમિત દવેને ચાર્જ સોંપાયો પરંતુ આખરે તેમણે તો નોકરીમાંથી રાજીનામું આપી દેતા મહાપાલિકાનું તંત્ર સ્તબ્ધ થઈ ગયુ હતું.

આજે રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓનું મનોબળ સાવ તળિયે પહોંચ્યું છે એમની પરિસ્થિતી અંગે બોલવા કોઈ અધિકારી કે પદાધિકારી તૈયાર નથી. રાજકોટ મહાપાલિકાના કર્મચારી-અધિકારીઓના નૈતિક બળ અને મનોબળની વરવી સ્થિતીથી જાણકાર કોઈપણ રાજકિય નેતાઓમાં એટલો દમ નથી કે સાચી વાતને સ્વીકારે અને ઉંચો અવાજ કરી ગાંધીનગર સુધી આ વાત પહોંચાડે.

રાજકોટમાં ચીફ ફાયર ઓફીસરની ખૂરશી પર બેસવા કોઈ તૈયાર નથી. ટાઉન પ્લાનીંગ વિભાગમાં પ્લાન મુકતા પહેલા પ્રિ-ફાયર એનઓસી લેવાનું ફરજીયાત હોય છે. જે હાલ બંધ થતાં નવા પ્લાન ઈનવર્ડ તતાં બંધ થયા છે. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય વાત લાગે પણ જેઓએ મૂડીરોકાણ કરી પ્લોટ પર બાંધકામનું ગણિત કર્યું હોય એ તમામ આંકડાઓ ફરી જતાં રાજકોટના અનેક નાના-મોટા બિલ્ડરો હાલ કફોડી સ્થિતીમાં આવી ગયા છે.
જો આ સ્થિતીમાં ફેરફાર થશે નહીં તો આવનારા સમયમાં કેટલી વધુ ગંભીર સ્થિતી બનશે એની કલ્પના પણ થરથરાવી મૂકે એવી છે.

જે બાંધકામો પરિપૂર્ણ થયા હોય અને ઇઞ પરમિશન બાદ બેંક લોનની આર્થિક ગણતરીઓ જેમાં હોય એમં પણ ફાયર વિભાગનું ફાઈનલ એનઓસી લેવાનું હોેય તે પણ બંધ થઈ જતાં આવા બિલ્ડરોની આર્થિક ભીંસમાં ફસાયા છે.

સવાલ ફકત એકાદ અધિકારીઓની કામગીરી પૂરતો જ નથી. રાજકોટ મહાપાલિકામાં ટી.પી. વિભાગમાં સંપૂર્ણ નવો સ્ટાફ, બિનઅનુભવી સ્ટાફ પર અનેક પ્રકારની માહિતીઓ આપવાના, નોટીસો આપવાના, બાંધકામો દૂર કરવાના વગેરે દબાણો એક સાથે આપી દેવાતા હાલ પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં પણ વિલંબ થાય. આ કર્મચારીઓના મનોબળની સ્થિતી અંગે ધ્યાન આપનારૂૂ પણ કોઈ નથી એ સૌથી મોટી કમનશીબી છે.

રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારમાં અનેક રજૂઆત થઈ પરંતુ એમના પ્રશ્ર્નો-સમસ્યાનું કોઈ નિરાકરણ હજૂ આવ્યું નથી. બિલ્ડીંગ વ્યવસાય સંલગ્ન મહત્ત્વની પ્રક્રિયાઓ ખોરંભે ચડતા અનેક મિલ્કતોના દસ્તાવેજો અટકી પડયા છે. બાંધકામ ઉદ્યોગમાં કરોડો-અબજો રૂૂપિયા ફસાઈ ચૂકયા છે. રાજકોટના બિલ્ડરોની એક જ અપીલ છે કે, અમારો વાંક શું? ગુન્હો શું? રાજકોટના બિલ્ડર દ્વારા બંધાયેલ એકપણ બિલ્ડીંગમાં બિલ્ડરના વાંકે કયારેય અકસ્માત થયો છે ? આવો પ્રશ્ર્ન કોઈ તો પૂછો ગાંધીનગરના માંધાતાઓને એવા આર્તનાદ સાથે ટુંક સમયમાં જ જેમ મહાપાલિકામાંથી કર્મચારી-અધિકારીઓ રાજીનામા આપે છે એમ કેટકેટલાય બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યવસાયિકો રાજકોટથી હિજરત કરી જાય તો નવાઈ નહીં.

ગાંધીનગરમાં રાજકોટનો રાજકીય અવાજ દબાયો, હવે મહાજનો એકત્ર થાય તે જરૂરી

છેલ્લા બે-ત્રણ વર્ષથી ગુજરાતમાં બદલાયેલા રાજ્કીય સમિકરણોના કારણે ગાંધીનગરમાં રાજકોટનું રાજકીય મહત્વ ઘટી ગયું છે. તેમાંય ગેમ ઝોન અગ્નિકાંડ અને સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયાના કૌંભાડોના કારણે સ્થિતિ વધુ બગડી છે અને ગાંધીનગરમાં બેઠેલા સતાધીશો પણ રાજકોટના તમામ નેતાઓ-પદાધિકારીઓને ચોરની નજરે જોવા લાગ્યા છે. જેના કારણે રાજકોટનો રાજકીય અવાજ સંપૂર્ણ પણે દબાઇ ગયો છે. ભાજપનું જે જૂથ પાવરમાં છે તેનું કાંઇ ગાંધીનગરમાં ઉપજતુ નથી અને હાંસિયામાં ધકેલાઇ ગયેલું વિજયભાઇ જૂથ નિરાંતે તમાસો નિહાળી રહ્યુ છે. જેના કારણે રાજકોટની સ્થિતિ દિવસે-દિવસે બગડી રહી છે. અધિકારીઓ પણ ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે અને ગાંધીનગરથી સુચના હોવાનું જણાવી કામો ટલ્લે ચડાવી રહ્યા છે. તમામ બિલ્ડરોને ચોર સમજીને કે, ચોરની નજરે જોવાથી સમસ્યાનો ઉકેલ આવે તેમ નથી. અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપર પણ ભરોસો મુકવો પડે તેમ છે. સરવાળે રાજકોટના વિકાસ અને હજારો લોકોને રોજગારી આપતા વ્યવસાયનો મામલો છે. ત્યારે આ બાબતે જરૂર પડે તો મહાજનોએ એકઠા થઇ લડત ચલાવવી પડે તો તે પણ કરવું ઘટે.
રાજકિય વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ બધા જ રાજકિય આગેવાનો અને પદાધિકારીઓ પણ મુંઝાયેલા છે. શું કરવું ? શું કહેવું ? શું યોગ્ય - શું અયોગ્ય ? વગેરે પ્રશ્ર્નોમાં બધા જ અટવાયેલા છે. આવી વિકટ પરિસ્થિતીનો ભોગ અત્યારે તો સૌથી વધુ રાજકોટના બિલ્ડર્સ-ડેવલપર બન્યા છે. આ વ્યવસાય સામાન્ય નથી. શહેરના અર્થતંત્ર પર પણ ઘણી અસર પહોંચાડી શકે છે. રોકાણકારો, કોન્ટ્રાકટર, મજૂરો સહીત અનેક વ્યવસાયો બાંધકમ ઉદ્યોગ પર નિર્ભર હોય છે. જેઓએ રાતાપાણીએ રોવાનો વારો આવે એવી ભારોભાર શકયતાઓ છે. ગાંધીનગરના સત્તાધિશોએ હકિકતોની જાત તપાસ કરી રાજકોટના બાંધકામ જગતને તંત્ર સર્જિત આર્થિક મંદીની શકયતાઓમાંથી ઉગારી લેવું ઘટે. અલબત્ત જયાં સુધી રાજકોટ મહાપાલિકાના તંત્રની સ્થિતી આવીને આવી રહેશે એ શકય દેખાતું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement