રાજકોટ કલેકટર પ્રભવ જોશી સંભવિત સોમવાર સુધી રજા પર
રાજકોટના કલેકટર પ્રભવ જોશી આજથી રજા પર ગયા છે અને સોમવારે પરત ફરશે તેવી શક્યતા છે. બીજી બાજુ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કોન્ફરન્સ આવતીકાલે સવારે 10 વાગ્યે આણંદ ખાતે આવેલી અમુલ ડેરીમાં યોજાશે. સામાન્ય રીતે ગાંધીનગર ખાતે યોજાતી આ કોન્ફરન્સનું સ્થળ આ વખતે મુખ્ય સચિવે બદલ્યું છે, અત્યારે કલેકટર રજા પર હોવાના કારણે સંભવિત એડિશનલ કલેક્ટર આ કોન્ફરન્સમાં હાજરી આપે તેવી શક્યતા છે.
આ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને રાજ્યમાં આવી રહેલી નવી જંત્રીનો અમલ અને તેની અસરો અંગે વિસ્તૃત ચર્ચા થશે. આ ઉપરાંત, ધાર્મિક સ્થળો પરના દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી અને જિલ્લાઓમાં ચાલી રહેલા વિકાસલક્ષી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
વધુમાં, પડતર અરજીઓના ઝડપી નિકાલ માટેની વ્યૂહરચના પર પણ મંથન થશે. આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અંગેની તૈયારીઓ અને આયોજન અંગે પણ કલેક્ટરોને માર્ગદર્શન આપવામાં આવશે.