રૂપાલા વિવાદમાં રાજકોટ બસ એસોસિએશનના પ્રમુખનું રાજીનામું
ક્ષત્રિય આંદોલન વખતે ભાજપને સમર્થન આપતા આંતરિક વિખવાદ વધતા નિર્ણય
રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રીય સમાજ વિશે નિવેદન બાદ આંદોલન છેડવામાં આવ્યું હતું જે વિવાદની અસર રાજકોટના બસ એસોસીએશન પર પડી છે અને રૂપાલાને સમર્થન આપતા અંદરોઅંદર વિવાદ થયા બાદ પ્રમુખે પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ અંગે રાજકોટ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના પ્રમુખ પદ પરથી રાજીનામું આપનાર દશરથસિંહ વાળાએ કહ્યું હતું કે લોકસભા ચુંટણી વખતે રૂપાલાના નિવેદનથી ક્ષત્રીય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ડેઇલી સર્વિસ બસ એસોસીએશન દ્વારા રૂપાલાને સમર્થન આપતા એસોસીએશનમાં અન્ય ક્ષત્રીય આગેવાનો દ્વારા પ્રમુખના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે વિવાદ હજી પણ યથાવત રહેતા પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે.
વધુમાં દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે એસોસીએશનની જરૂરીયાત સમયે પક્ષે હંમેશા સાથ આપ્યો છે. જેથી મારા માટે હોદો નહીં પણ પક્ષ મહત્વનો છે તેથી પદ છોડી દીધું છે.