જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલના જમીન વિવાદમાં રાજકોટના બિલ્ડરનું નામ ઉછળ્યું
જેતપુરની 62067 ચો.વાર જમીન ધરાવતી મુસ્લિમ વકફ મિલ્કત રાજકોટના સંયુક્ત ચેરીટી કમિશનરે 36/59/1998ના કેસમાં તા.7-5-2009થી આઠ કરોડ પંચાણુ લાખમાં નિર્માણ બિલ્ડર્સને વેંચાણનો હુકમ કર્યો હતો.
આ હુકમથી નારાજ થઇ રાજકોટના કાર્યકર બશીરભાઇ લાખાણી દ્વારા મિલકત સાર્વજનીક મુસ્લિમ વકફ અને ઇવેકયુ પ્રોપર્ટી હોય ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ સમક્ષ ટીઇએન/એઆર/11/09થી અપીલ કરી હતી. આ અપીલમાં છેલ્લા પંદર વર્ષથી સરકારનો પક્ષ રાખવા રાજકોટ કલેકટરના સંબંધીત તંત્રના કોઇ અધિકારીઓ હાજર રહેતા ન હોય બશીરભાઇ લાખાણીએ તપાસની માંગ રાજકોટ કલેકટર સમક્ષ કરી છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે હાજી દાઉદ હોસ્પીટલવાળા ટ્રસ્ટે જમીન વેંચાણની કાર્યવાહી સરકારમાં ટાઇટલ કલીયર કરવા, રાજકોટ સંયુકત ચેરીટી કમિશનરની મંજુરીનું મતુ મરાવવા તા.15-5-2009ના રોજ રાજકોટના બાબુભાઇ શિંગાળા પાસેથી એક કરોડ પીસ્તાલીસ લાખની રકમ લીધી હતી. જેના પુરાવા કલેકટર રાજકોટ હુકમ કરે તો રજુ કરવા તૈયારી બતાવી હતી.સંયુકત ચેરીટી કમિશનર રાજકોટના હુકમ 36/59/1998 તા.7-05-2009 તથા ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સ્પે.સી.એ. 10742/ 2007ના તા.21-09-2023ના હુકમ સામે રાજકોટ કલેકટર અને સંબંધીત અધિકારીઓએ કાર્યવાહી ન કરતાં તપાસની માંગ કરી ભ્રષ્ટાચાર જણાયે સંબંધીત અધિકારીઓ સામે પગલા લેવા રજુઆત બશીરભાઇ લાખાણીએ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જેતપુરની હાજી દાઉદ હોસ્પીટલ 70 વર્ષથી બંધ છે પણ એક પણ કલેકટરને આ શરતભંગ નજરે પડયો નથી.