સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલમાં રાજકોટે અમરેલીને 7 ગોલથી હરાવ્યું
ખેલ મહાકુંભ 3.0 સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન સાથે મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ રેસકોર્સ આર.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિનીયર ભાઈઓ માટેની સૌરાષ્ટ્ર ઝોન હોકી ફાઇનલ સ્પર્ધામાં રાજકોટ શહેર ટીમે અમરેલી ટીમને હરાવી હતી.
ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ સંચાલિત રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0માં સિનીયર ભાઈઓની સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમા બન્ને ટીમના રમતવીરોમાં ઉત્સાહ અને રસાકસી જોવા મળતા સ્પર્ધા જોવા મળ્યા હતા. 15 મિનિટના કુલ ચાર રાઉન્ડના અંતે રાજકોટ શહેર ટીમે 7 ગોલના માર્જિનથી અમરેલી ટીમને હરાવી હતી.
અમરેલી ટીમે 2 ગોલ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. ફાઇનલમાં પહોંચેલી આ બંને ટીમ આગામી સમયમા યોજાનાર રાજ્ય સ્તરે યોજાનાર હોકી સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી વી. પી. જાડેજા, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા, હોકી રાજકોટના મહેશભાઈ દિવેચા સહિત શહેરીજનો અને રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના સ્થળ પર મેડિકલ ટીમ તેમજ ટેકનિકલ ફિઝિયો ડો. મહેન્દ્ર વર્મા સહિત હાજર રહી કોઈ સ્પર્ધકને ઈજા પહોંચે તો સારવાર માટે ઉપસ્થિત રહ્યા હતા.