રાજ સિટી બસ ચેકિંગ ડ્રાઇવ, ચાર કંડકટરો ફરજમુક્ત, બે પેસેન્જર પાસથી પેનલ્ટી વસુલાઈ
રાજકોટ મહાનગરપાલિકાની હસ્તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે. હાલ સી.એન.જી. અને ઇલેક્ટ્રિક બસ દ્વારા શહેરી પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ રાજકોટ રાજપથ લિ. દ્વારા તા.24/07ને ગુરુવારનાં રોજ બસ ચેકીંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં ટીકીટ આપવાની કામગીરીમાં અનિયમિતતા સબબ પકડાયેલ કુલ ચાર કંડકટરોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે તથા ટીકીટ વગર મુસાફરી કરતા બે પેસેન્જર પાસેથી પેનલ્ટીની વસુલાત કરવામાં આવેલ છે.
વધુમાં સીટી બસ સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવ્યાનુંસાર બસમાં ટિકીટ લેવી તે મુસાફરીની પ્રાથમિક જવાબદારી છે અને વગર ટિકીટ મુસાફરી કરતા પકડાયેથી તેની સામે દંડનિય કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત ટિકીટ આપવા અંગે કંડકટર દ્વારા કોઈપણ પ્રકારની અનિયમીતતા ધ્યાને આવે તો મુસાફરો કોલ સેન્ટર નંબર 155304 પર ફરીયાદ કરી શકે છે. આ બન્ને બસ સેવાને વધુને વધુ લોકાભિમુખ બનાવવા તથા જાહેર પરિવહન સેવાનો વધુને વધુ ઉપયોગ કરી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાને હલ કરવા મદદરૂૂપ થવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ છે.