છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકાર
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. અનેક શહેરો અને જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ અને તિલકવાડામાં 7.13 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 36 તાલુકામાં 2 થી 8 ઈંચ અને અન્ય 76 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 21 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 26.23 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત કચ્છમાં 21.6 ટકા, દક્ષિણ ઝોનમાં 20.71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 20.25 ટકા વરસાદ વરસ્યો છે.
અમરેલીમાં ધાતરવાડી અને સૂરજવાડી, સુરેન્દ્રનગરમાં વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબૂરી, જામનગરમાં વાઘડિયા, કચ્છમાં કલાઘોઘા, ભાવનગરમાં રોજકી અને બગડ અને બોટાદમાં ભીમદાદ ડેમમાં 100 ટકા પાણી ભરાઈ ગયા છે. જેને પગલે આ જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.