For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્પોરેશનના લાંચિયા ચીફ ફાયર ઓફિસરના રાજકોટ અને ભુજના ઘરે દરોડા

12:19 PM Aug 13, 2024 IST | Bhumika
કોર્પોરેશનના લાંચિયા ચીફ ફાયર ઓફિસરના રાજકોટ અને ભુજના ઘરે દરોડા
Advertisement

અગ્નિકાંડની ઘટના બાદ ચાર્જ સંભાળ્યાના 43 દિવસમાં જ ભ્રષ્ટાચારની ‘દુકાન’ ખોલી નાખી

કડક નિયમનો લાભ લઈ ફાયર NOC માટે 3 લાખની લાંચ માંગી, રૂા.1.20 લાખ લઈ લીધા બાદ બીજો હપ્તો લેવા જતાં રંગે હાથ પકડાયો

Advertisement

રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ભ્રષ્ટ તંત્ર સામે સરકારે કાર્યવાહી કરી આ ઘટના બાદ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરી અને રાજકોટ મહાનગર પાલિકાની છબી સુધારવા માટે નવા અધિકારીઓને મુકયા છે ત્યારે ‘ચોર ચોર માસીયાઈ ભાઈ’ જેવી ઘટના રાજકોટ મહાનગરપાલિકામાં બની છે. 43 દિવસ પૂર્વે જ રાજકોટ મહાનગર પાલિકામાં ભૂજથી મુકાયેલા ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારૂને એસીબીની ટીમે રૂા.1.80 લાખની લાંચ લેતાં મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં જ રંગે હાથ ઝડપી લીધો હતો.

ચાર્જ સંભાળ્યાની સાથે જ છેલ્લા 43 દિવસથી રાજકોટમાં ફરજ બજાવતાં ચીફ ફાયર ઓફિસરે ભ્રષ્ટાચારની દુકાન ખોલી નાખી હતી અને ફાયર સેફટી ફીટીંગનું કામ કરતા વ્યક્તિ પાસે ફાયર એનઓસી માટે રૂા.3 લાખની લાંચ માગ્યા બાદ રૂા.1.20 લાખ કટકટાવી લીધા હતાં. બાકીની 1.80 લાખની રકમની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતાં. આ લાંચીયા ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂના રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર આવેલા ભાડાના ફલેટ અને ભૂજના તેના વતનમાં એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરી આ મામલે અનિલ મારૂને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટમાં રહેતા અને ફાયર સેફટી ફીટીંગનું કામ કરતાં અરજદારે એક બીલ્ડીંગમાં કરેલા ફાયર સેફટીના ફીટીંગ બાદ તેનું ફાયર એનઓસી લેવાનું હોય જે બાબતે મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં અરજી કરી હતી અને હાલના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારૂ પાસે ફાયર એનઓસી માટે આ ફાઈલ પહોંચી હતી ત્યારે ફાયર એનઓસી આપવા માટે ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ મારૂએ આ ફાયર સેફટી ફીટીંગનું કામ કરતાં અરજદાર પાસે ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માંગી હતી અને તે વખતે રૂા.1.20 લાખ લાંચ લઈ લીધી હતી અને બાકીના રૂા.1.80 લાખ આપવાના બાકી હોય જે અંગે ફાયર સેફટી ફીટીંગનું કામ કરતાં વ્યક્તિએ જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવતાં આ મામલે એસીબીના નાયબ નિયામક કે.એચ.ગોહિલ અને તેમની ટીમે છટકુ ગોઠવી મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં જ રૂા.1.80 લાખની લાંચ લેતાં ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂને રંગે હાથ ઝડપી લીધા હતાં.

અગ્નિકાંડની ઘટના બાદ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ચાર્જ સંભાળ્યા બાદ જ આ લાંચીયા અધિકારી કે જે ભૂજમાં પણ ફરજ દરમિયાન અનેક વખત વિવાદમાં રહ્યો છે તેણે દુકાન ખોલી નાખી હતી અને ફાયર એનઓસી માટે આવતી ફાઈલોમાં સહી કરવા માટે "વહીવટ” શરૂ કરી દીધા હતાં. એસીબીની ટીમે ફાયર ઓફિસર અનિલ મારૂની ધરપકડ કર્યા બાદ રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર ભાડાના ફલેટમાં રહેતા તેના નિવાસસ્થાને તેમજ ભૂજના તેના વતનમાં પણ દરોડા પાડયા હતાં. જો કે એસીબીની ટીમે હજુ સુધી કોઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ આગામી દિવસોમાં તેના બેંક એકાઉન્ટ તેમજ લોકરો અંગે તપાસ કરવામાં આવશે. રાજકોટમાં અગાઉના ચીફ ફાયર ઓફિસરો ઈલેશ ખેર, બી.જે.ઠેબા, રોહિત વિગોરા હાલ જેલમાં છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારી ફાયર ઓફિસર ઝડપાતા રાજકોટના મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર વધુ એક વખત ખુલ્લા પડયા છે.

મનપાના ત્રણ ફાયર સ્ટેશનમાંથી 43 દિવસની કામગીરીની માહિતી મંગાવતી એસીબી
મુખ્ય ફાયર સ્ટેશનના ફાયર વિભાગનાં ચીફ ફાયર ઓફિસર અનિલ બેચર મારૂને એસીબીએ ફાયર એનઓસી આપવા માટે માંગેલી રૂા.1.80 લાખની લાંચ લેતાં ઝડપી લીધા બાદ વધુ એક વખત એસીબીની ટીમે ફાયર વિભાગમાં સર્ચ ઓપરેશન કર્યુ હતું. તેમજ આ લાંચની ઘટનામાં મુખ્ય ફાયર સ્ટેશન ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અન્ય ત્રણ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસરોને પણ પુછપરછ માટે બોલાવ્યા છે અને આ ઈન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ બેચર મારૂએ કઈ કઈ ફાઈલમાં છેલ્લા 43 દિવસમાં સહીઓ કરી છે તેની માહિતી એસીબીએ મંગાવી છે.

અનિલના ભાઈ-ભાભીને ભુજમાં લાંચ લેતા ઝડપી લેનાર એસીબીના અધિકારીએ જ ટ્રેપ ગોઠવી
રાજકોટના ચીફ ફાયર ઓફિસર કે જેણે ભૂજથી રાજકોટ મુકાયા હોય તેણે ચાર્જ સંભાળ્યાના 43 દિવસમાં જ પોતાનું પોત પ્રકાશી લાંચ કાંડમાં આવી જતાં તેની એસીબીની ટીમે ધરપકડ કરી છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ, આ લાંચીયા અધિકારીનો પરિવાર પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનું સામે આવ્યું છે. રાજકોટનાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ કે જે રૂા.1.80 લાખની લાંચ લેતાં પકડાયો છે તેના ભાઈ ભાભી પણ અગાઉ લાંચ લેતાં એસીબીમાં ઝડપાઈ ચુકયા હોવાનું જાણવા મળ્યું છે. જોગાનું જોગ રાજકોટ એસીબીના નાયબ નિયામક કે.એચ.ગોહિલે જ આ બન્નેને લાંચ લેતાં ભૂજમાં ઝડપી પાડયા હતાં. બે વર્ષ પહેલા અનિલ મારૂના ભાભી કંકુબેન જે ભૂજના કુકમા ગામના સરપંચ હતાં તેણે ઓગસ્ટ 2021માં એક લાખની લાંચ માંગી હતી અને કંકુબેનના પતિ અમૃત બેચર મારૂ ભૂજમાં આ એક લાખની લાંચ લેતાં એસીબીના નાયબ નિયામક કે.એચ.ગોહિલની ટીમના હાથે જ ઝડપાઈ ગયો હતો. ત્યારે રાજકોટમાં પણ એસીબીએ જે ટ્રેપ કરી છે તેમાં પણ નાયબ નિયામક કે.એચ.ગોહિલની સુચનાથી આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટ એસીબીની ટીમને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઓળખતો હોવાથી જામનગરની ટીમને કામ સોંપાયુ
રાજકોટ ફાયર બ્રિગેડના લાંચીયા ફાયર અધિકારી અનિલ મારૂને લાંચના છટકામાં પકડવા માટે રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે ખાસ જામનગર એસીબીના પીઆઈ આર.એન.વિરાણી અને તેમની ટીમને આ કામ સોંપ્યું હતું. અગાઉ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જ્યારે રાજકોટ એસીબીએ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં તપાસ કરી હોય અને રાજકોટ એસીબીના મોટાભાગનાં સ્ટાફને મહાનગરપાલિકાના ફાયર વિભાગનો સ્ટાફ ચહેરાથી ઓળખતો હોય જેથી લાંચનું છટકુ ફેઈલ ન જાય તે માટે એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે જામનગરની ટીમને મેદાને ઉતારી હતી અને સોમવારે જામનગર એસીબીના પીઆઈ વિરાણી સાથે પાંચ અધિકારીઓની અને કર્મચારીઓની ટીમ મહાનગરપાલિકાના અલગ અલગ પ્રવેશદ્વારથી અરજદારના સ્વાંગમાં મહાનગરપાલિકા કચેરીમાં એન્ટ્રી કરી હતી અને એસીબીના જામનગરના સ્ટાફે ફાયર ઓફિસર અનિલ મારૂની ઓફિસ આસપાસ વોચ ગોઠવી હતી અને નક્કી કર્યા મુજબ લાંચની રકમ લઈને વેપારી જ્યારે ફાયર ઓફિસર મારૂની ચેમ્બરમાં ગયા બાદ વેપારી તરફથી સિગ્નલ મળતાની સાથે જ એસીબીની ટીમ અનિલ મારૂની ચેમ્બરમાં ઘુસી હતી અને લાંચની રકમ સાથે અનિલ મારૂને રંગેહાથ ઝડપી લીધો હતો. ટીઆરપી ગેમઝોન કાંડ બાદ વધુ એક વખત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં એસીબીની ટીમ ત્રાટકી હોય અને રૂા.1.80 લાખની લાંચ લેતાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પકડાયાની વાત વાયુવેગે મહાનગરપાલિકામાં ફેલાઈ જતાં ફાયર ઓફિસ આસપાસ અન્ય વિભાગનાં કર્મચારીઓના ટોળા ભેગા થઈ ગયા હતાં. લાંચની રકમ સાથે અનિલ મારૂને એસીબીની ટીમ મહાનગરપાલિકાથી એસીબી કચેરીએ લઈ ગઈ હતી. લાંચ પ્રકરણની વાતથી મહાનગરપાલિકામાં સોંપો પડી ગયો હતો.

સાતીર અનિલ મારૂએ લાંચની રકમ હાથમાં લેવાને બદલે ટેબલ ઉપર મુકાવી
રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂના ભાઈ અને ભાભી બે વર્ષ પૂર્વે ભૂજમાં લાંચ લેતાં પકડાયા હોય અને તે વખતે ભાઈ ભાભી સામેના એસીબીના કેસમાં અનિલ મારૂએ જ કાયદાકીય કાર્યવાહી કરી હોય જેથી ચાલાક અનિલ બેચર મારૂને એસીબીની કાર્યવાહી અંગે જ્ઞાન હોવાથી લાંચ લેતી વખતે ધરપકડથી કઈ રીતે બચવું તેની ટ્રીક તે જાણતો હતો જેથી અનિલ મારૂને જ્યારે વેપારી રૂા.1.80 લાખની રોકડ ભરેલી થેલી લઈને તેની ઓફિસમાં પહોંચ્યો અને આ લાંચની રકમ અનિલ મારૂને આપવા માટે તેણે બેગ હાથમાં આપવાનો પ્રયાસ કર્યો પરંતુ સાતીર અનિલ મારૂએ આ લાંચની રકમ ભરેલી બેગ પોતાના હાથમાં લેવાના બદલે રોકડ ભરેલી થેલી ટેબલ ઉપર રાખી દેવા જણાવ્યું જેથી ફરિયાદીએ રૂા.1.80 લાખની રોકડ ભરેલી થેલી અનિલ મારૂના ટેબલ ઉપર જ મુકી દીધી હતી. અનિલ મારૂએ કાયદાકીય આંટીઘુંટીથી અને એસીબીની આગળની કાર્યવાહીમાં પોંતાનો બચાવ થઈ શકે તે માટે આ ખેલ પાડયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે એસીબીની ટીમ લાંચીયા ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ કરતાં એક પગલું આગળ નિકળી હતી અને લાંચની રકમ સાથે રંગેહાથ તેની જ ચેમ્બરમાં તેને ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement