રાઘવજી પટેલની તબિયત સ્થિર, નિષ્ણાત તબીબોના માર્ગદર્શનમાં સારવાર
રાજ્યપાલ, રૂપાલા સહિતના મહાનુભાવોએ ખબર અંતર પૂછયા
ગુજરાતના કેબિનેટમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે ત્યારે હાલ તેની તબિયત સ્થિર હોવાનું જણાવાય છે. રાઘવજી પટેલની મુંબઈના નિષ્ણાંતો અને રાજકોટ એઈમ્સના તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલી રહી છે. હજુ બે દિવસ તેમને આઈસીયુમાં રાખવામાં આવનાર હોવાનું તબીબોનું કહેવું છે.
બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે તેમના ખબરઅંતર પૂછવા માટે વહેલી સવારથી નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અગાઉ કેબિનેટ મંત્રી મૂળૂ બેરા રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા માટે સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા.
જે બાદ જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂૂપાલા પણ રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતાં. આ સાથે સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય દર્શિતાબેન સહિતના નેતાઓ રાઘવજી પટેલના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટંકારાની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તેઓ હોસ્પિટલ ખાતે રાઘવજી પટેલના ખબરઅંતર પૂછવા આવે તેવી શક્યતા છે. એવું પણ કહેવાય છે કે, એર એમ્બ્યુલન્સ મારફતે રાઘવજી પટેલને મુંબઈ અથવા અમદાવાદ લઈ જવામાં આવી શકે છે. જો કે પરિવારજનો દ્વારા રાઘવજીને મુંબઈ લઈ જવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેથી સાંજ સુધીમાં કૃષિ મંત્રીને મુંબઈ લઈ જવામાં આવી શકે છે.