રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?
સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજનાં બે દિગ્ગજ આગેવાનો જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ વચ્ચે ચાલતી કોલ્ડવોરને હવે વિરામ મળે તેવા નિર્દેશો મળે છે. ભાજપના સિનિયર નેતા અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ બન્ને નેતાઓ વચ્ચે સમાધાન માટે શરૂ કરેલા પ્રયાસોમાં હકારાત્મક સૂર નીકળ્યાનું જાણવા મળે છે.
લેઉવા પટેલ સમાજનાં જ વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણીએ રાદડિયા અને નરેશ પટેલ સાથે વાતચીત કરી સમાધાનનો સેતુ તૈયાર કરી લીધાનો સંકેત આપ્યો છે.
રાજકોટના હેમુ ગઢવી હોલમાં 16 ઓગસ્ટ, 2024ના રોજ પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દિલીપ સંઘાણી દ્વારા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતા ખટરાગ અંગે વ્યક્તિગત સમજાવટ કરી સમાધાન કરાવવા પ્રયાસ કરીશ તેવું જણાવ્યું હતું.
આ નિવેદનના વીસેક દિવસ બાદ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, બંને સાથે વાત થઈ ગઈ છે અને બન્નેએ પોઝિટિવ જવાબ આપ્યા છે. જયેશ રાદડિયાએ મને કહ્યું કે, તમે જે કરો એ, મને કોઈ વાંધો નથી. નરેશ પટેલે પણ કહ્યું કે, મને પણ વાંધો નથી, તમે કહેશો ત્યારે હું એમની સાથે બેસવા તૈયાર છું.
પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં 16 ઓગસ્ટના રોજ રાજકોટમાં મળેલા પાટીદાર સમાજના સન્માન સમારોહમાં દિલીપ સંઘાણીએ બન્ને વચ્ચે રહેલા ખટરાગને દૂર કરી સમજાવટની જવાબદારી લીધી હતી. જેમાં બન્નેએ પોઝિટિવ જવાબ આપ્યા છે, તેવું દિલીપ સંઘાણી દ્વારા આજ રોજ ભાસ્કર સમક્ષ કહેવામાં આવ્યું હતું. આ સાથે સંઘાણીએ જણાવ્યું હતું કે, હાલ હું પ્રવાસમાં છું. મારા પ્રવાસમાંથી ફ્રી થઈ બંનેને બોલાવી અને બંને વચ્ચે શાંતિપૂર્ણ બેઠક કરાવીશ. બન્ને વચ્ચે કોઈ પણ વાતનો મન-ભેદ હોય કે ખટરાગ હોય તે દૂર કરાવીશ.