જેતપુરમાં ફરી રાદડિયાનો વટ, પાલિકામાં શાસન અકબંધ
44માંથી 32 બેઠકો ઉપર કમળ ખીલ્યું, 11 અપક્ષો ચૂંટાયા, કોંગ્રેસને સમખાવા પુરતી માત્ર એક બેઠક મળી
જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે. નગરપાલિકાની 44 બેઠકમાંથી બે બેઠકના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા ન હોવા છતાં 44માંથી 32 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. 11 બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયા છે અને કોંગ્રેસને સમ ખાવા પુરતી એક જ બેઠક મળી છે.
આ ઉપરાંત તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જંગી લીડથી ચુંટાઈ આવ્યા છે.
ચૂંટણીના પરિણામો બાદ ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું જેમાં ઉમેદવારોએ ધારાસભ્ય જયેશ રાદડિયાને ખભે બેસાડી ફેરવ્યા હતાં.
જેતપુર સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાનો મત વિસ્તાર હોવાથી આ નગરપાલિકાની ચૂંટણી ઉપર સૌની નજર મંડાયેલ હતી. ભાજપના આંતરિક રાજકારણમાં જૂથવાદના કારણે રાદડિયાના વિશ્ર્વાસુ એવા સુરેશ સખરેલિયા સહિત બે ઉમેદવારોના મેન્ડેટ છેલ્લી ઘડીએ નહીં આવતા આ બે બેઠક ઉપર ભાજપ ચૂંટણી લડી શકેલ નહીં જ્યારે બાકીની 42 બેઠકમાંથી 32 બેઠકો સાથે ભાજપે તોતીંગ બહુમતિ મેળવતા વિરોધીઓમાં સોંપો પડી ગયો છે.