રેસકોર્સ બનશે સાળંગપુર ધામ: ફરી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
યુવાઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામી શ્રોતાગણોને તરબોળ કરશે
અગાઉ અભૂતપૂર્વ લાખોની જનમેદની ઉમટ્યા બાદ આ વર્ષે ત્રણ ગણી વિશાળ જગ્યામાં આયોજન
27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી હનુમાન દાદાની કથાથી રાજકોટ ધન્ય બનશે
કથા માટે સાળંગપુર ધામ ખાતે આયોજક પરિવાર દ્વારા શ્રીફળ અર્પણ વિધિ સંપન્ન
કળીયુગના હાજરાહજૂર દેવ હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં બીજી વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન તારીખ 27થી 2 જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં થવા જઇ રહયું છે. જેમાં સાળંગપુર ધામના હરિપ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે. અત્યારે યુવાનોમાં વેસ્ટર્ન કલ્ચરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માટે તેમજ આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરવા માટે રાજકોટ શહેરમાં પ્રથમ વખત હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સર્વ સમાજને સાથે રાખીને ચાલવાનો છે. તેમજ દરેક સમાજના લોકોમાં દેશદાઝ પ્રજ્વલિત કરવાનો છે. સાથે જ ખોટા માર્ગે જઈ રહેલા યુવાનોને સાચા રસ્તે લાવવાનો છે.
અગાઉ 27 ડિસેમ્બર 202ર થી 1 જાન્યુઆરી 2023 સુધી યોજાયેલ હનુમાન ચાલીસા યુવા કથામાં રેસકોર્સ મેદાનમાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દરરોજ 70 હજારથી વધારે શ્રોતાઓએ કથાનું રસપાન કર્યુ હતું. આ વખતે ત્રણ ગણા મોટા ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ માટે આયોજકોની ટીમ પરિવાર સાથે સોમવારના રોજ સાળંગપુર ધામ મુકામે કથાના આમંત્રણ અને શ્રીફળ અર્પણ વિધિ માટે ગયા હતા. સાથે જ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વચન મેળવ્યા હતા. કષ્ટભંજનદેવ મહારાજના ચરણોમાં કથાનું શ્રીફળ અર્પણ કરી સર્વે આયોજકોએ ધજા ચડાવી હતી. આયોજકોની ટીમને સાળંગપુર ધામ જવા દરમિયાન એ.કે. ફૂડ મોલ દ્વારા નાસ્તાની સેવા પણ અર્પણ કરવામાં આવી હતી.
રાજકોટમાં ડિસેમ્બર મહિનામાં યોજાનાર શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી હનુમાનજી મહારાજનું જીવન દર્શન કરાવશે. સાથે જ આ કથાના પ્રારંભે ભવ્યાતિભવ્ય પોથી યાત્રા અને કથા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
"સર્વ રાજકોટ કહે છે કે આ મારી કથા છે” સૂત્ર સાર્થક કરતા આયોજકોની ટીમે જણાવ્યું હતુ કે આ અમારી કથા નથી પરંતુ સર્વ રાજકોટની કથા છે અને આયોજકોએ પોતાના નામ પણ કોઇ જગ્યાએ પ્રકાશિત ન કરવા પણ અપીલ કરી છે. સાથે જ રાજકોટનાં જન જનને નાત-જાત કે ઉચ-નીચના ભેદભાવ વગર આ કથામાં પધારવા સ્નેહ સાથે ભાવપૂર્ણ આમંત્રણ પાઠવ્યું છે.