એલ્કેમ કંપની અને રામ કેમિકલને સમન્સ પાઠવતા RAC
- રાજકોટ જિલ્લામાં દવાની કંપનીના સેમ્પલ અને રામ કેમિકલના સેમ્પલ મીસબ્રાન્ડ થયા: સુનાવણીમાં હાજર રહેવા આદેશ
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કંપનીઓ સામે તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દવા, કેમીકલ સહિતની કંપનીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે સેમ્પલ મીસબ્રાન્ડ થતાં આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે એડીશ્નલ કલેકટરને રિપોર્ટ કરતાં ભારતની વિખ્યાત દવા બનાવતી એલ્કેમ કંપની અને કચ્છની રામ કેમીકલ કંપની સહિત 13 વેપારીઓને સમન્સ ફટકારી સુનાવણીમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
રાજકોટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા થોડા સમય પહેલા મેડીકલ સ્ટોર ઉપરથી એલ્કેમ કંપનીની દવાના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે સેમ્પલ મીસબ્રાન્ડ થયા હતાં. જે અંગે ફોરેન્સીક લેબારેટરીનો અભિપ્રાય આવી ગયો હતો. આ ઉપરાંત કચ્છની રામ કેમીકલ કંપનીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેના પૃથ્થકરણ માટે ફોરેન્સીક લેબારેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. જેના પણ સેમ્પલ મીસબ્રાન્ડ થયા હતાં.
ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ મીસબ્રાન્ડ થતાં એડીશ્નલ કલેકટરને રિપોર્ટ કરતાં એડીશ્નલ કલેકટર ચેતન ગાંધી દ્વારા મહારાષ્ટ્રમાં આવેલ એલ્કેમ કંપનીની ઓફિસે તેમજ કચ્છમાં આવેલ રામ કેમીકલ કંપનીની ઓફિસને સમન્સ ફટકારી હાજર રહેવા હુકમ કર્યો છે.
આ ઉપરાંત એડીશ્નલ કલેકટરે અન્ય 11 વેપારીઓને પણ તેઓના સેમ્પલ મીસ બ્રાન્ડ થતાં સમન્સ ફટકારી સુનાવણી માટે કલેકટર કચેરીએ હાજર રહેવા આદેશ કર્યો છે. બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા આજે અપીલ બોર્ડમાં 30 કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં પક્ષકારો અને વકીલો કલેકટર કચેરી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતાં. કલેકટર દ્વારા આવતીકાલથી ચૂંટણીની કામગીરીને ધ્યાને રાખીને ત્રણ દિવસ માટે અલગ અલગ સ્થળે 9 હજારથી વધુ કર્મચારીઓનો તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો છે.