પોરબંદરમાં હડકાયા કૂતરાનો એક મહિલા સહિત ચાર લોકો પર હુમલો: એક ગંભીર
પોરબંદરના એસ.ટી.ડેપો સામે આવેલ નાગાર્જુન સીસોદીયા પાર્ક નજીક હડકાયા કૂતરાએ 1 ભિક્ષુક મહિલા સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવાનને આઈ. સી. યુ. વોર્ડમાં ખસેડાયો હતો તો અન્ય સભ્યોને સારવાર આપવામાં આવી હતી.પોરબંદર જિલ્લામાં રઝડયા ઢોર ઉતરાંત કુતરાનો આતંક જોવા મળે છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં સ્થાનિકો પર કુતરા હુમલો કરતા હોવાની ઘટના સામે આવી રહી છે.પોરબંદરના એસ. ટી. વિસ્તારમાં પણ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. એસ. ટી. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાગાર્જુન સીસોદીયા પાર્ક નજીક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો.
હડકાયા કૂતરાએ આ વિસ્તારમાં રીક્ષા રીપેર કામ કરતા ડાકી મુકેશભાઈ પૂંજાભાઈ (ઉ.35) દેવભાઈ ચિરાગભાઈ (ઉ.24) કેશવ રાયસી(ઉ.50)અને એક ભિક્ષુક મહિલા સહિત 4 સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ડાકી મુકેશભાઈ પૂંજાભાઈ નામના યુવાનને માથાના ભાગે કૂતરાએ હુમલો કરતા તેમને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલના આઈ.સી.યુ.વિભાગમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા.પોરબંદરના એસ.ટી.ડેપો વિસ્તારમાં આવેલ નાગાર્જુન સીસોદીયા પાર્ક વિસ્તારમાં હડકાયા કૂતરાએ હુમલો કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.આ વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓ પણ ભયમાં મુકાઈ ગયા હતા.