ક્વોરીના ધંધાર્થીઓની હડતાળ સમેટાઈ: કાલથી કપચીની સપ્લાય શરૂ
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પ્રશ્ર્નોના નિરાકરણની ખાતરી મળતા એસો.ની જાહેરાત
ક્વોરીના ધંધાર્થીઓ દ્વારા છેલ્લ1 4 દિવસથી રોયલ્ટી સહિતના પ્રશ્ર્ને હડતાલ કરવામાં આવી હતી. ક્વોરીના ધંધાર્થીઓની હડતાલથી રાજ્યમાં બાંધકામોની સાઈટો પર મોટાભાગની કામગીરી અટકી પડી હોય સરકાર દ્વારા એસોસીએશન સાથે બેઠક કરી ધંધાર્થીઓના પ્રશ્ર્નો અંગે વહેલીતકે નિરાકરણ કરવાની ખાતરી આપતા ક્વોરી એસોસીએશન દ્વારા હડતાલ સમેટવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ બાદ ક્વોરી ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ક્વોરી ઉદ્યોગના બાબતે સાથે રહીને સમાધાન કરાવ્યું છે. મુખ્યમંત્રી સાથે એસોસિએશને ક્વોરીને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારે હવે તેમના પ્રશ્નોનું નિવારણ આવતા ક્વોરી એસોસિએશન આવતીકાલે અંબાજી ખાતે દર્શન કરી ક્વોરી ઉદ્યોગ શરૂૂ કરશે.
ક્વોરી એસોસિએશનએ વિવિધ પ્રશ્નોની સરકારને અવાર નવાર રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ પ્રશ્નોનો નિરાકરણ ન આવતા તેમણે લગભગ 15 દિવસ અગાઉ હડતાળની જાહેરાત કરી હતી. ત્યારથી ક્વોરી ઉદ્યોગ ઠપ થઈ ગયા હતાં. ત્યારે આજે મુખ્યમંત્રી સાથે ક્વોરી ઉદ્યોગ એસોસિએશન સભ્યોએ બેઠક યોજી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરતા તેમના પ્રશ્નોનું નિરાકરણ આવતા તેમની હડતાળ સમેટાઈ છે.