ગોંડલમાં પુરવઠાના દરોડામાં સીઝ થયેલ ઘઉંનો જથ્થો રેશનિંગનો હોવાની શંકા
- વેપારી કોઈ આધાર પુરાવા કે બિલ રજુ નહીં કરતાં 8.13 લાખના ઘઉંનો જથ્થો જપ્ત કરાયા
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ગાંધીનગર પુરવઠા ટીમ દ્વારા દરોડો પાડી 8 લાખની કિંમતનો આધાર પુરાવા વગરનો 29 હજાર કિલોનો ઘઉંનો જથ્થો સીઝ કરી પુરવઠા અધિકારીને રિપોર્ટ સુપ્રત કર્યો છે ત્યારે વેપારી પાસેથી મળી આવેલ ઘઉંનો જથ્થો રેશનીંગનો હોવાની શંકાએ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને વેપારીને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ, ગાંધીનગર પુરવઠા ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શનિવારે ગોંડલ ખાતે આવેલ વિકાસ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પર દરોડો પાડયો હતો. પુરવઠાની ટીમના દરોડામાં પેઢી પર કોઈપણ જાતના નામ સરનામા ના બોર્ડ રાખવામાં નહોતા આવ્યો જ્યારે તપાસ કરતાં પેઢીમાંથી 8.13 લાખની કિંમતનો 29 હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.
વેપારી મેહુલ ભરતકુમાર શાહ પાસેથી ઘઉંના બિલો રજુ કરવાનું કહેતા તેની પાસે કોઈ જ જાતના આધાર પુરાવા મળી આવ્યા નહોતા એટલું જ નહીં પરંતુ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું ન હોય અને કોઈપણ જાતના સ્ટોક રજીસ્ટર નહીં મળી આવતાં ઘઉંનો જથ્થો સીઝ કરી આગળની તપાસ જિલ્લા પુરવઠા અધિકારીને સોંપવામાં આવી છે.વેપારી પાસેથી મળી આવેલ ઘઉંનો જથ્થો રેશનીંગની દુકાનમાંથી બારોબાર ખરીદ કરવામાં આવ્યો હોવાની શંકાએ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વેપારીને નોટિસ ઈસ્યુ કરી હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.