રાજકોટ-વાંકાનેર હાઈવે પર મસમોટા સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા મારો
આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સીનીયર સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાની યાદી જણાવે છે કે કુવાડવા થી વાંકાનેર સ્ટેટ હાઈવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો છે તે વાહન ચાલકોના ટાટીયા તોડે અ ને ફેકચરો કરી નાખે તે પ્રકારના છે આવા સ્પીડ બ્રેકરો ખાસ કરીને ટુ વ્હીલર અને નાના વ્હીલ વાળા વાહનો ઉછળીને પડે છે. ત્યારે આ પ્રકારના બમ્પરો જીવલેણ સાબિત થાય તેવા છે. આ અંગે કોઈકનો લાડકવાયો કે કોઈક નો કંધોતર છીનવાઈ જાય એ પહેલા નિંભર તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે તે જરૂૂરી છે.
વાંકાનેર થી કુવાડવા જતા ખેરવા સહિતના અન્ય ગામો પાસે હાઇવે પર આવેલા સ્પીડ બ્રેકરો ઉપર સફેદ પટ્ટા સંપૂર્ણપણે ભુંસાઈ ગયા છે. અને રેડિયમ રિફ્લેટર પણ આંધળા બની ગયા છે. જે રાત્રિના સમયે નજરમાં આવતા નથી તેથી વાહન ચાલકો ઉછળીને પડે છે જે અંગે જવાબદાર તંત્રના અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરેલ જે રજૂઆતને લાંબો સમય થવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે તંત્ર કોઈકના મોતની રાહ જોતું હોય તેમ જણાય છે. અધિકારીની બેદરકારી અને લાપરવાહીમા સરકારે જવાબદારને દોષિત ઠેરવી દંડનીય કાર્યવાહી કરવી જોઈએ.
કારણ કે સરકાર ટ્રાફિકની નાની એવી ભુલ બદલ વાહન ચાલકોને તોતિંગ દંડ વસૂલતી હોય તો અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ રાહદારીઓના જીવલેણ અકસ્માતો પછી એ સ્પીડ બ્રેકરો હોય મસ મોટો ખાડો હોય આ અંગે પણ અધિકારીને દોષિત ઠેરવવા જોઈએ. આશ્ચર્યની બાબત તો એ છે કે જે જગ્યાએ આ સ્પીડ બ્રેકરો છે તેની બાજુમાં જ હાઇવે પર કેમેરા ચાલુ હોવા છતાં દેખાતું નથી એટલે કે આ સફેદ પટ્ટા કે રેડિયમ રીફલેટર વગરના બમ્પરો મા કેમેરાને મોતિયો આવી ગયો છે કે શું ?