મોરબી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં PSIનું મૃત્યુ, પોલીસ બેડામાં શોક
તોતીંગ વાહન સ્કૂટર સવાર પીએસઆઈને કચડી નાસી છૂટ્યું
મોરબીના એક પીએસઆઈનું હિટ એન્ડ રનની ઘટનામા મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી જન્મી છે.
મોરબી જિલ્લાના હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. પોતાનુ સ્કૂટર લઈને ફરજ ઉપરથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીક ભારે વાહનના ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લેતા ભારે વાહનના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જવાના કારણે પીએસઆઇ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી પ્રમાણે મૂળ ભુજના મોટા રૈયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં હેડ ક્વાર્ટર ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અને તાલુકા પોલીસ લાઇનના કવાર્ટરમાં રહેતા બી.આર. જાડેજા એકટીવા સ્કૂટર લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એકટીવાને ભારે વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ભારે વાહનના તોતિંગ વ્હીલ પીએસઆઇના શરીર ઉપરથી ફરી વળતા તેઓને ગંભીર ઈજા થઈ હતી અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું.
અકસ્માત પસર્જીને ભારે વાહનનો ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છુટેલ છે અને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ પીએસઆઇના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને આ બનાવની જાણ થતા ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.