પાટીદાર માફક ક્ષત્રિય સમાજ સામેના કેસો પરત ન ખેંચાય તો આંદોલન
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો છે, ત્યારે પાટીદાર આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે થયેલા ગંભીર કેસોમાં રાહત મળી છે. પાટીદાર અનામત આંદોલન વેળાએ પાટીદાર આગેવાનો સામે દાખલ થયેલા કેસો પરત ખેચાયા છે. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચ્યા છે.
જેને લઈને હવે દરેક સમાજમાંથી તેમના પર કોઈ આંદોલન સમયે કરેલા કેસો હોય તે પાછા ખેંચવા માંગ કરવામાં આવી રહી છે.
આ મામલે હવે ક્ષત્રિય સમાજ પણ જાગ્યો છે. અને કરણી સેનાએ અધ્યક્ષ રાજ શેખાવતે આ મામલે માંગ કરી છે.ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતના તમામ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જેને લઈને હવે ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા સામે આવી છે. અને તેમણે સરકારને આકરા શબ્દોમાં ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, આજે સરકારે જે નિર્ણય લીધો તે જાણી આનંદ થયો છે.
પણ પાટીદાર સામેના કેસ જ કેમ પાછા ખેંચવામાં આવે. પદ્માવત ફિલ્મ વખતે જે આંદોલન થયું તેમાં જે ક્ષત્રિય યુવાઓ પર કેસ કરવામાં આવ્યા તે પણ પાછા ખેંચવામાં આવે. આ સાથે જ લુવારા આંદોલન થયું તેમાં પણ જેમના પર કેસ થયા હતા તે બધા કેસ પાછા ખેંચવામાં આવે. નહિ તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજને મેદાને આવવું પડશે અને સરકાર સામે મોટાપાયે આંદોલન કરવું પડશે.