For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરધારમાં વેપારી પર હુમલામાં આરોપીઓ ન પકડાય તો આંદોલન

12:35 PM Jun 30, 2025 IST | Bhumika
સરધારમાં વેપારી પર હુમલામાં આરોપીઓ ન પકડાય તો આંદોલન

મંત્રી આ વિસ્તારનો છતાં ગ્રામજનોને ન્યાય માટે રજૂઆતો કરવી પડે? આગેવાનોમાં રોષ: અસામાજિક તત્વોના આતંકને લઇ વેપારીઓએ સરધાર ગામ બંધ રાખ્યું

Advertisement

સરધારમાં ટાયરના વેપારી સાથે માથાકૂટ કરી ત્રણ ઇસમે વેપારીને ફડાકા ઝીંકી દીધા હતા અને છરી બતાવી ખૂનની ધમકી આપી હતી. આ ઘટનાને ત્રણ દિવસ વીતી જવા છતાં આરોપીઓ નહીં પકડાતા રવિવારે સરધારના લોકોએ બંધ પાળી આક્રોશ ઠાલવ્યો હતો અને બે દિવસમાં આરોપીઓને પકડી કડક કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સરધારમાં રહેતા અને સરધારમાં જ ટાયરની દુકાન ચલાવતા મયૂરભાઇ કાનજીભાઇ વસોયા (ઉ.વ.33) ગત તા.26ના પોતની દુકાને હતા ત્યારે આટકોટનો વતની અને સરધારમાં પડ્યો પાથર્યો રહેતો સિકંદર સંધી તેના બે મળતિયા સાથે ધસી આવ્યો હતો અને પોતાની કારમાં ટાયર બદલવાના મુદ્દે માથાકૂટ કરી વેપારી મયૂરભાઇને ત્રણ ફડાકા ઝીંકી દીધા હતા તેમજ એક ઇસમે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટના અંગે એજ દિવસે મયૂરભાઇ વસોયાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના બે બે દિવસ વીતી જવા છતાં સિકંદર સહિતના આરોપીઓ નહીં પકડાતાં સરધારના સમસ્ત ગ્રામજનોએ રવિવારે બંધનું એલાન આપ્યું હતું.રવિવારે સવારે સરધારમાં એક પણ દુકાનનું શટર ખુલ્યું નહોતું અને વેપારીઓ તથા ગ્રામજનો ગ્રામપંચાયતે એકઠા થયા હતા અને ગ્રામસભા મળી હતી. સ્થાનિક આગેવાનો તેમજ ગામના આગેવાનોએ ઘટનાને વખોડી કાઢી છાશવારે સિકંદર અને તેના મળતિયા દ્વારા કરાતી લુખ્ખાગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસની ઢીલી નીતિનો પણ વિરોધ કરાયો હતો.

Advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને સરધારના આગેવાન અજયભાઇ ખૂંટે આક્રોશ સાથે કહ્યું હતું કે, સરધાર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભાનુબેન બાબરિયાની જીત થઇ હતી. ભાનુબેન રાજ્યના કેબિનેટ મંત્રી છે. રાજકોટ લોકસભા બેઠકના વિજેતા પરસોત્તમ રૂૂપાલાને પણ સરધારમાંથી લીડ મળી હતી આવા આગેવાનો હોવા છતાં સરધારના લોકોને ન્યાય મેળવવા માટે આંદોલન કરવા પડે તે સ્થિતિ યોગ્ય નથી. પોલીસ બે દિવસમાં આરોપીઓને પકડીને તેની જાહેરમાં સરભરા નહીં કરે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન સહિતના ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.

લુખ્ખાગીરી સામે સરધારમાં લોકો રોષે ભરાયા હતા અને આરોપીને પકડી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. સરધાર ગામના ભાજપ આગેવાન ચેતન પાણે જણાવ્યું હતું કે, સરધાર ગામમાં માટેલ ટાયર નામની દુકાન ધરાવતા મયુર વસોયાને ત્યા સિકંદર સંધિ નામનો વ્યક્તિ ટાયર નખાવવા માટે ગયો અને પૈસા બાકી રાખવાનું કહ્યું જોકે, વેપારીએ પૈસા બાકી રાખવાની ના પાડતા આ શખ્સ દ્વારા વેપારી મયુરભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. જેથી ગ્રામ પંચાયત કચેરીમાં રાખવામાં આવેલી જન આક્રોશ સભામાં થયેલા નિર્ણય મુજબ સરધારમાં સર્વ સમાજના લોકો દ્વારા ગામ બંધ રાખવામાં આવેલું હતું. જો બે-ત્રણ દિવસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નહીં આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement